ગાંધીનગર: રાજ્યમાં ઉનાળા દરમિયાન પીવાના પાણીની અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા 'નલ સે જલ યોજના'નું અમલીકરણ કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત ગઇકાલે કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર શેખાવત સાથે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સથી પ્રોજેક્ટ અંગેની ચર્ચા કરી હતી. જેમાં 2 ઓક્ટોબર સુધી રાજ્યના પાંચ જિલ્લાઓના સો ટકા ઘરોમાં પ્રોજેક્ટ અમલી કરવામાં આવશે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર શેખાવત સાથે થયેલી વીડિયો કોન્ફરન્સ બાબતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત જળ સંચાલનમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. જ્યારે રાજ્યમાં 'નલ સે જલ યોજના' અંતર્ગત સો ટકા અમલી થાય તેના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. જ્યારે 2 ઓક્ટોબર પહેલા રાજ્યના પાંચ જિલ્લાઓમાં તમામ ઘરોમાં પાઇપલાઇન દ્વારા નલ સે જલ યોજના થકી પાણી મળી જશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.
આમ, કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા નલ સે જલ યોજના અંતર્ગત રાજ્યના પાંચ જિલ્લાઓમાં યોજના અમલીકરણ કરવામાં આવશે. જ્યારે આ પાંચ જિલ્લા કયા હશે તે બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી નથી.