- કોરોના પહેલાના વર્ષમાં કુલ 32,459 દસ્તાવેજો થયા
- કોરોના પછીના એક વર્ષમાં 32,427 દસ્તાવેજ થયા
- મકાનોના ભાવ પહેલાની સરખામણીમાં કોઈ ફર્ક નહીં
ગાંધીનગરઃ કોરોના પહેલા અને કોરોના બાદ પણ એટલી જ સંખ્યામાં માલ, મિલકતના દસ્તાવેજો થઇ રહ્યા છે. જેટલા પહેલા થતા હતા. સબ રજિસ્ટાર કચેરીના મળેલા આંકડા પ્રમાણે 1 એપ્રિલ 2019થી લઈને 31 માર્ચ 2020 સુધીમાં 32,459 દસ્તાવેજો થયા હતા. જે 1 એપ્રિલ 2020થી 31 માર્ચ 2021 સુધીમાં 32,427 થયા હતા. એટલે કે, માત્ર 32 દસ્તાવેજો કોરોનાના એક વર્ષમાં ઓછા થયા છે. સબ રજિસ્ટાર ભરત પ્રજાપતિના કહ્યા મુજબ દસ્તાવેજમાં કોઈ ઘટાડો નથી થયો. જમીન, મકાનોની લેવાલી, વેચવાલીમાં કોઈ જ વધુ ફર્ક જોવા મળ્યો નથી. વાર પ્રમાણે મકાનોના એરિયાને ધ્યાનમાં રાખી 15 હજારથી 45 હજારના ભાવ ચાલે છે જે સ્ટેબલ જ છે.
આ પણ વાંચોઃ કોરોનાને કારણે ઉત્તર ગુજરાતના 300થી વધુ ટ્રાવેલ્સ સંચાલકો પડી ભાંગ્યા
કોરોનાના કારણે માલ, મિલકતના દસ્તાવેજો
કોરોનાના 15 મહિનાથી વધુ સમય થયો છે. ત્યારે માલમિલકત જમીનોના દસ્તાવેજોમાં જે દસ્તાવેજો કોરોના પહેલા જેટલી સંખ્યામાં થતા હતા એટલી જ સંખ્યામાં આજે પણ કેટલાક દસ્તાવેજો થઈ રહ્યા છે. તેમાં પણ મકાનોની કિંમત તેમજ જમીનની લેતી દેતીની કિંમતમાં કોઈ ઘટાડો નથી થયો. જોકે દરેક સેક્ટરમાં કોરોનાના કારણે લોકોને આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ રિયલ એસ્ટેટ સેક્ટરમાં કોઈ મંદિ જોવા મળી નથી. સબ રજીસ્ટર કચેરી પાસેથી મળેલા આંકડાને જોતા કોરોના પહેલાના અને પછીના વર્ષમાં 32 હજારથી વધુ જ દસ્તાવેજ થયા છે.
સૌથી વધુ મકાનોના 40 ટકા દસ્તાવેજો ગાંધીનગરના આ 6 વિસ્તારોમાં થયા
ગાધીનગર મનપા વિસ્તારની જો વાત કરવામાં આવે તો કુડાસણ, સરગાસણ, રાંધેજા, રાયસણ, રાંદેસણ શાહપુર વિસ્તારો એવા વિસ્તારો છે કે, જેમાં મકાનોના જેટલા દસ્તાવેજો ગાંધીનગર મનપા વિસ્તારમાં થાય છે. તેમાં 40% દસ્તાવેજો આ 6 એરિયાના હોય છે. છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયમાં આ વિસ્તારોમાં સૌથી વધુ દસ્તાવેજો થઈ રહ્યા છે. કુડાસણ, રાંધેજા, રાયસણ જેવા વિસ્તારો ઝડપી ગતિએ ડેવલપ થઈ રહ્યા છે, ત્યારે ઘણા લોકોનું મનપસંદ સ્થળ પણ આ ત્રણ વિસ્તાર વધુ છે. જેથી મોટા ભાગના મકાનોના દસ્તાવેજો આ વિસ્તારોમાં સૌથી વધુ થઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ મીની લોકડાઉનમાં નાના વેપારી મંડળને મોટો ફટકો, સરકાર પાસે રાહતની આશા
કોરોનાની બીજી લહેરના 3 મહિનામાં જ આટલા દસ્તાવેજો
માર્ચ મહિના બાદ કોરોનાની બીજી લહેરના સૌથી વધુ કેસ જોવા મળતા હતા. તેમાં પણ એપ્રિલ મહિના સુધી કોરોનાના કેસમાં ઘણો વધારો થયો હતો. તે છતાં પણ એપ્રિલથી જૂન મહિનાની વચ્ચે 3,837 દસ્તાવેજો થયા હતા. તેમાં પણ બાનાખતના 817 દસ્તાવેજો થયા છે, જ્યારે ગીરવી મુકેલી મિલ્કતનું ફેર માલિકીફેર-ખતના 214 દસ્તાવેજો થયા છે. સૌથી વધુ 817 દસ્તાવેજો મકાનોના થયા છે. આ ઉપરાંત ફારગતી, કરાર, સુધારો જુદા-જુદા મુખત્યાર નામાના દસ્તાવેજો કરવામાં આવ્યા છે. કોરોનાની આ પરિસ્થિતિમાં પણ રિયલ એસ્ટેટમાં અને તેમાં પણ હાઉસિંગ ક્ષેત્રે મકાનની લેવાલીમાં કોઈ ફર્ક જોવા નથી મળ્યો.