ગાંધીનગર: તાલુકામાં આવેલા સાદરા, દોલારાણા વાસણા, બાપુપુરા, ચેખલારાણી અને ગીયોડ ગામમાં આવેલા ગ્રામ પંચાયતના ટ્યુબવેલના એક જ રાતમાં વાયર કાપવાના બનાવ સામે આવ્યા છે. જેમાં તસ્કરો એક સાથે જ આજે ગામમાં ત્રાટક્યા છે, ત્યારે ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અગાઉ પણ આ પ્રકારે ખેતરમાં આવેલા ટ્યુબવેલના વાયરો ચોરી થયા હોવાના બનાવો સામે આવ્યા છે. જેને લઇને એક જ પ્રકારે આ તમામ ગામના વાયર કાપવામાં આવતા હાલતો પીવાના પાણીની પણ સમસ્યા ઉભી થઇ છે.
આ તકે સાદરા ગામના આગેવાને કહ્યું કે, આ પંથકમાં અગાઉ પણ આ પ્રકારના બનાવ સામે આવ્યા છે, ત્યારે આ એક સુનિયોજિત કાવતરું હોય તેવું જોવા મળી રહ્યું છે. એક સાથે પાંચ ગામના ટ્યુબવેલના લાખો રૂપિયાના વાયરોની ચોરી થઇ છે. જેને લઇને ગ્રામ પંચાયતોમાં ભારણ પડશે. આ સાથે સાથે જ્યાં સુધી આ વાયરને જોઈન્ટ નહીં કરાઇ ત્યાં સુધી પીવાના પાણીની પણ સમસ્યા જોવા મળશે.
બીજી તરફ આ બનાવને પગલે આગેવાનો ચિલોડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયા હતા, પરંતુ જ્યાં સુધી લખાઈ રહ્યું છે. ત્યાં સુધી માત્ર જાણવા જોગ ફરિયાદ લેવામાં આવી છે. તેને લઈને પણ ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. પોલીસ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ફરિયાદ દાખલ કરતી નથી. ફરિયાદ દાખલ થઇ ગયા બાદ પણ તેની ઉપર કંઈ પણ કાર્યવાહી કરવામાં આવી હોય તેવું જોવા મળતું નથી, તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ તો ગામમાં ચોરી થવાને લઈને નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે.