ગાંધીનગર: જિલ્લાના વાવોલ પંથકમાં ASIના ઘરમાં ચોરી થતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં તસ્કરો 2 લાખ રૂપિયા જેટલી માલ-મત્તાની ચોરી કરી છુમંતર થઈ ગયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર ચિલોડા પંથકમાં બેફામ બનેલા તસ્કરોએ બે દિવસ પહેલાં એક સાથે ત્રણ મકાનોના તાળા તોડ્યા બાદ હવે એક પોલીસ જવાનના ઘરે જ ખાતર પાડ્યું છે.
કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASIના છાલા ખાતે આવેલા ઘરમાં ચોરી થઈ હતી. તેના ભત્રીજાએ ફોન પર ચોરી થયાની જાણ કરી હતી. યાસીન મલેકે છાલા જઈને તપાસ કરતાં ઘરની આગળ ઓસરીમાં લોખંડની જાળી તથા મુખ્ય દરવાજાને મારેલા તાળા તૂટેલા હતા. તેમજ ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો. જેમાં ઘરમાંથી સોના ચાંદીના દાગીના સહિત 2 લાખ જેટલી માલ- મત્તાની ચોરી થઈ હતી. આ અંગે ASI યાસીન મલેકે ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.