- મંદિરોમાં પણ ચોરીની ઘટનાઓ
- અંબોડ ગામના મંદિર ચોરીની ઘટના
- ચોરને પકડવા ચક્રો ગતિમાન
ગાંધીનગર : જિલ્લામાં ઘરફોડ ચોરીઓ થતી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી મંદિરોમાં પણ ચોરીની ઘટનાઓ બનતી હતી. ગત મહિનામાં જ અંબોડ ગામના મંદિર ચોરીની ઘટનાએ ચકચાર મચાવી હતો, ત્યારબાદ અડાલજ પાસેના મંદિરમાં પણ ચોરીની ઘટના બની હતી. જેથી LCB ટીમે સક્રિય થઇને ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ અને નરેશકુમારને ચોરને લઈ બાતમી મળી હતી.
વિવિધ મંદિરમાં ચોરી
તેમણે શંકાસ્પદ હાલતમાં ઇકો ગાડી લઈને માણસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરતા ચોરને પકડવા વોચ રાખી હતી. આ ચાર ઇસમોને માણસા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વોચ રાખી પકડી પાડવામાં આવ્યા હતા. જેમની સઘન પૂછપચ્છ કરતા તેમણે સ્વીકાર્યું હતું કે, વિવિધ મંદિરમાં તેમણે ચોરી કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદ જિલ્લામાં કૃષ્ણનગરમાં લૂંટ પ્રયાસ મામલે નવા ખુલાસા
સોના ચાંદીના આભૂષણો બરામત કરવામાં આવ્યા
જેમની પાસેથી માતાજીના મંદિરની મૂર્તિના શણગાર માટેના સોના ચાંદીના આભૂષણો બરામત કરવામાં આવ્યા હતા. આ પ્રકારની મોડસઓપેન્ડિટી અપનાવતા હતા. આ ટોળકીનો મુખ્ય સાગરીત ભોપલ નટ અલગ-અલગ મંદિરોમાં દર્શન કરવાના બહાને પ્રવેશ મેળવી મંદિરની રેકી કરી રાત્રિના સમય ટોળકીના અન્ય સભ્યો સાથે મંદિરમાં ચોરી કરતા હતા.
મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો
પકડાયેલા આરોપીઓ મુનીર એહમદ શેખ રહે અંબાજી, રાજાભાઈ ખરાડી રહે, જેતવાસ ગામ બનાસકાંઠા, સાનુ કિશોરભાઈ રહે, કુંભારીયા બનાસકાંઠા વિષ્ણુ કિશોરભાઈ નટ રહે અંબાજી જેમની ધરપકડ કરાઇ હતી. આરોપીઓ પાસેથી મંદિરના ગર્ભગૃહમાં મુકેલી ત્રણ માતાજીની મૂર્તિઓ, માતાજીના શણગાર માટે વપરાતો હાર, 2 મોબાઇલ ફોન, મૂર્તિના શણગાર માટેનું મુગટ સહિત 2,05,00થી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: રોડ પર લાગેલા CCTVના જંકશન બોક્સમાંથી સામાન ચોરી કરનારની ધરપકડ
5 મંદિરોમાં ચોરી
ગાંધીનગર જિલ્લાના આ 5 મંદિરોમાં ચોરી કરી પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા આશરે એક અઠવાડિયા પહેલા રાત્રિના સમયે ડીસાથી પાટણ શહેર તરફ આશરે 10 કિલોમીટર દૂર આવેલા મંદિરમાં ચોરી કર્યાની કબુલાત ટોળકીએ કરી હતી, ત્યારબાદ અન્ય એક પાટણના મંદિરની પણ ચોરી કર્યાની કબુલાત કરી હતી, 25 દિવસ પહેલા અંબાજી દાંતીવાડા ડેમ તરફ રાત્રી દરમિયાન અહીં આવેલા મંદિરની પણ ચોરી કર્યાની કબુલાત કરી હતી, આ ઉપરાંત ખેરાલુ, અડાલજ સહિતના 5 મંદિરમાં ચોરી કર્યાની કબુલાત કરી હતી.