ગાંધીનગર: 1 જુલાઈના દિવસે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને શિક્ષણ પ્રધાને ગુજરાતની સરકારી યુનિવર્સિટીમાં પરીક્ષા લેવાશે, તેવું જાહેર કર્યું હતું, પરંતુ કેન્દ્ર સરકારની ટકોર બાદ ગણતરીના કલાકોમાં જ પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી.
હવે ગઈકાલે સોમવારે રાત્રે કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા તમામ યુનિવર્સિટીઓમાં પરીક્ષા લેવા માટે લીલીઝંડી આપી છે, ત્યારે હવે ગુજરાત સરકારે પણ પરીક્ષા માટેની તૈયારીઓ હાથ ધરી છે. સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે સપ્ટેમ્બર માસના અંત સુધીમાં ગુજરાત યુનિવર્સિટી સહિત ગુજરાત રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં પરીક્ષા યોજવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે અગાઉથી જ પરીક્ષાની તૈયારીઓ કરી દીધી હતી, હવે ફક્ત તારીખો જાહેર કરવાની બાકી છે. આ સાથે જ પરીક્ષા દરમિયાન કોરોના સંક્રમણ વકરે નહીં તે માટે કેન્દ્રીય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઇન્સનું પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
જાહેર થયેલી ગાઈડલાઇન્સ પ્રમાણે પરીક્ષાર્થીએ ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો. જે પરીક્ષા દરમિયાન પણ ફરજિયાત રાખવામાં આવશે.