ગાંધીનગર: રાજ્યની તમામ જિલ્લામાં મેડિકલ કોલેજો કાર્યરત છે. સરકારી મેડિકલ કોલેજમાં MBBS પૂર્ણ કર્યા બાદ ડોકટરોને રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં 1 વર્ષ ફરજીયાત સેવા આપવાનો ફરજીયાત બોન્ડ કરવામાં આવે છે અને બોન્ડ પૂર્ણ થયા નાદ જ ડોક્ટરને ખાનગી પ્રેક્ટિસ કરવા માટેની પરવાનગી સરકાર દ્વારા આપવામાં આવે છે ત્યારે રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં 1856 ડોક્ટરોએ સરકારની બોન્ડની સેવાનું ઉલ્લંઘન કર્યું હોવાનું સરકારે જાહેરાત કરી છે.
24.91 કરોડ વસુલવાના બાકી: કોંગ્રેસના ચાણસ્મા વિધાનસભાના ધારાસભ્યએ ગુજરાત વિધાનસભાના અતાંરાંકિત પ્રશ્ન કર્યો હતો કે રાજ્યમાં 31 માર્ચ 2023 સુધીમાં છેલ્લા 3 વર્ષના સમયગાળા દરમિયાન સરકારી મેડિકલ કોલેજમાંથી MBBS પાસ કરેલ ડોક્ટર આપવામાં આવ્યું હતું અને કેટલા ડોક્ટરો નિમણૂક આપેલ જગ્યા ઉપર હાજર થયા અને કેટલા ડોક્ટરો હાજર થયા નથી. જ્યારે હાજર ન થયા હોય તેવા કેટલા ડોક્ટર પાસેથી બોર્ડની કેટલી રકમ વસૂલવાની બાકી છે. તેમના વિરુદ્ધ તથા બાકી રકમ વસૂલવા કયા પગલાં લેવામાં આવ્યા છે તેનો પ્રશ્ન કર્યો હતો. ત્યારે રાજ્ય સરકારે જવાબ આપ્યો તો છેલ્લા ત્રણ વર્ષમાં કુલ અલગ અલગ જિલ્લામાં 1856 જેટલા ડોક્ટરો હાજર થયા નથી અને તેમની પાસેથી કુલ 24.91 કરોડ વસુલવાના બાકી હોવાની વિગતો સરકારે જાહેર કરી છે.
છોટાઉદેપુર અને દાહોદમાં ડોક્ટરો સેવા આપવા તૈયાર નથી ?: ગુજરાતના આરોગ્યમાં સરકારી દ્વારા બજેટની ફાળવણી કરવામાં આવે છે. છોટાઉદેપુર અને દાહોદ જિલ્લામાં કુપોષિત અને અન્ય રોગોનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા જણાવ્યા પ્રમાણે વર્ષ 2020-21થી વર્ષ 2022-23 સુધીના ત્રણ વર્ષના ગાળામાં રાજ્ય સરકાર દ્વારા છોટા ઉદેપુરમાં 328 અને દાહોદમાં 465 ડોક્ટરોની નિમણુંક કરી હતી. જેમાં બંને જિલ્લાની વાત કરીએ તો છોટા ઉદેપુરમાં 258 અને દાહોદમાં 358 ડોકટરો નિમણુક બાદ હાજર જ થયા નથી. જૂનાગઢ જિલ્લાની વાત કરવામાં આવે તો વર્ષ 2021-22માં 3 ડોક્ટરની નિમણુક કરવામાં આવી હતી. જેમાં ત્રણેય ડોક્ટરો ફરજ પર હાજર રહ્યા હતાં. ઉપરાંત વર્ષ 2021-22 માં સરકારે ડાંગ જિલ્લામાં એક પણ ડોક્ટરની નિમણુક કરી ન હતી.
ડોક્ટર બોન્ડ તોડે તો 5 લાખની વસુલાત: રાજ્ય સરકારના નિયમ પ્રમાણે સરકારી મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ પાસ કર્યા બાદ રાજ્ય સરકાર જે તે ડોક્ટરને અન્ય જિલ્લામાં સેવા માટે મોકલે છે. જો સેવા માટે તૈયાર ન થાય તો ડોક્ટરને પાંચ લાખ રૂપિયાનું બોન્ડ ભરવો પડે છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 1856 જેટલા ડોક્ટરો નિમણૂક સ્થળ ઉપર હાજર થયા ન હતા ત્યારે આ તમામ ડોક્ટરો પાસેથી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બોન્ડની વસૂલાત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 546 ડોક્ટરો પાસેથી પાંચ લાખ રૂપિયાની રકમ વસૂલ કરવામાં આવી છે. જ્યારે હજુ પણ 1310 ડોક્ટરો પાસેથી કુલ 24.91 કરોડ રૂપિયા વસુલવાના બાકી છે. જ્યારે સરકારે 546 ડોક્ટરો પાસેથી કુલ 27.3 કરોડની વસુલાત કરી છે.
કેવી રીતે મળે છે બોન્ડમાંથી મુક્તિ: ગુજરાત વિધાનસભાના બજેટ દરમિયાન રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે 20 માર્ચ 2023 ના રોજ ગૃહમાં નિવેદન આપ્યું હતું કે એમબીબીએસ પૂર્ણ થયા બાદ અમુક ડોક્ટરો પીજી માટેની તૈયારીઓ કરતા હોય છે અને તેઓ ગ્રામ્ય વિસ્તારમાં સેવામાં જોડાઇ શકતા નથી. જ્યારે જો કોઈ ડોક્ટર સેવા આપવા તૈયાર ન હોય તો રાજ્ય સરકાર તેવા ડોક્ટરોને પ્રેક્ટિસ માટેનું સર્ટિફિકેટ પણ આપતી નથી. બોન્ડમાંથી મુક્તિ મેળવવી હોય તો એમબીબીએસ ડોક્ટર 20 લાખ અને પીજી ડોક્ટરોને 20+40 લાખ રૂપિયા સરકારમાં આપશે તો બોન્ડમાંથી મુક્તિ આપવામાં આવે છે.