ગાંધીનગર જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી એસ કે લાંગાએ કહ્યું કે, 18 રાઉન્ડમાં મતગણતરી થશે જેમાં EVMની મતગણતરી બપોરે 1:30 વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ જશે. મતગણતરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ કહ્યું કે, ગાંધીનગર શહેરમાં મતગણતરી ના દિવસે અનિચ્છનીય બનાવ ન બને તે માટે ત્રણ DySp, 9 PI, 36 PSI, 240 પોલીસ, 116 મહિલા પોલીસ, 17 ટ્રાફિક પોલીસ, 4 ઘોડે સવાર અને 1 ક્યુઆર તથા 1 મોબાઈલ ટીમ ફરજ બજાવશે.
જિલ્લા કલેક્ટરને કહ્યું કે, મતગણતરી દરમિયાન ગ-3 થી ગ-5 સુધીનો પાર્કિંગ ઝોન રોડ જાહેર કરવામાં આવશે, જ્યારે ગાંધીનગર શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં CCTV લાગેલા છે. સ્ટ્રોંગ રૂમ ખાતે પણ 42 CCTV કેમેરા લગાડવામાં આવ્યા છે. મતગણતરી રૂમમાં કુલ 72 CCTV કેમેરા લગાવ્યા છે, ત્યારે જે જગ્યાએ CCTV કેમેરા નથી, તે જગ્યાએ મત ગણતરી સમય પહેલા CCTVથી સજ્જ કરવામાં આવશે અને કંટ્રોલ રૂમમાંથી સીધી નજર રાખવામાં આવશે.
સાત વિધાનસભા બેઠક અને પોસ્ટલ બેલેટ માટે કલર કોડ રખાયો
ગાંધીનગર શહેરમાં આવેલા સેક્ટર15 સરકારી કોલેજ ખાતે ગાંધીનગર લોકસભા બેઠકની મતગણતરી યોજાશે. જેમાં વિધાનસભાની 7 બેઠક આવેલી છે, ત્યારે તમામ બેઠકનો અલગ-અલગ કલર કોડ રાખવામાં આવ્યો છે. જ્યારે પોસ્ટલ બેલેટનો પણ અલગ કલર કોડ રખાયો છે. કર્મચારીઓને એજન્ટને ખ્યાલ આવે તે માટે કલર કોડ પ્રમાણે મતગણતરી હાથ ધરાશે. જેમાં ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં બ્રાઇટ ગ્રીન, કલોલ મરૂન, સાણંદ જાંબલી, ઘાટલોડિયા બદામી, વેજલપુર પીળો, નારણપુરા ગ્રે, સાબરમતી વાદળી અને પોસ્ટલ બેલેટ ટાંન કલર કોડ રહેશે.
ગાંધીનગર બેઠક પર 19 લાખ મતદારોમાંથી 12 લાખ મતદારોએ મતદાન કર્યું
ગાંધીનગર લોકસભા બેઠક ઉપર 19,45,149 કુલ નોંધાયા છે. જેમાંથી 12,75,394 મતદારોએ મતદાન કર્યું હતું. જેમાંથી 6,89,402 પુરુષ અને 5,85,985 મહિલા મતદારોએ મતદાન કર્યું હતું, જ્યારે અન્ય 7 મતદારોએ મતદાન કરતા 12,75,394 મતદાન કર્યું હતું.