ગાંધીનગર તાલુકામાં આવેલા દોલારાણા વાસણા ગામના પેટાપરુ બાપુપુરામા વહેલી પરોઢિયે દીપડો ત્રાટક્યો હતો, ત્યારે ગામની છેવાડે રહેતા તલાજી ઠાકોરના વાડામાં બાંધેલ ભેંસના બચ્ચાનું મારણ કર્યું હતું હતું. પાડું એકાએક ભાંભરવા લાગતા આજુબાજુના લોકો જાગી ગયા હતા, પરંતુ તે લોકો દીપડા સામે નજર નાખે તે પહેલાં જ પલવારમાં દીપડો પલાયન થઈ ગયો હતો. સાથે જ લોકોએ વહેલી સવારે ખેતરમાં જતા પહેલા દીપડાના પંજા પણ જોયા હતા.
બાપુપુરા ગામમાં દીપડો આવ્યો હોવાના સમાચાર વન વિભાગની ટીમને મળતાટીમ દ્વારા પાંજરા પણ ગોઠવી દેવામાં આવ્યા હતા. આજુબાજુના વિસ્તારોમાં અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી, પરંતુ કંઈ પણ હાથ લાગ્યું ન હતું. ઉલ્લેખનીય છે કે, આ દિપડો છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી આ વિસ્તારમાં ફરી રહ્યો છે. પશુ પાલન કરતાં લોકોના પશુના બચ્ચાના મારણ કરીને એક રાતમાં પલાયન થઈ જાય છે. તેથી ગામના લોકો હજુ પણ ભયભીત છે, ત્યારે વધુ એક ગામમાં દીપડાની દહેશત જોવા મળતા ગ્રામજનો ફફડી ઉઠ્યા છે.