ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 12 એપ્રિલના રોજ કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકારે જાહેર પરીક્ષા બાબતે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જે અનુસાર તલાટી પરીક્ષા માટે જે ઉમેદવારો પરીક્ષા આપવા માંગતા હોય તેઓએ પરીક્ષા પહેલા જે તે પસંદગી મંડળને તેઓ પરીક્ષા આપશે જ તેવી ખાતરી આપતું કન્ફર્મેશન આપવું જરૂરી છે. કન્ફર્મેશન આપ્યા બાદ જ ઉમેદવારો પરીક્ષા આપી શકશે. આ માટે કન્ફર્મેશન આપવાની છેલ્લી તારીખ પણ નક્કી કરવામાં આવી છે. તલાટીની પરીક્ષા માટે 20 એપ્રિલ સવારના 11 વાગ્યા સુધી ઉમેદવારો કન્ફર્મેશન આપી શકશે.
હસમુખ પટેલે કરી જાહેરાત ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં તલાટીની પરીક્ષા અંતર્ગત કન્ફર્મેશનની જાહેરાત કરી હતી. હસમુખ પટેલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે તલાટીની પરીક્ષા સાતમી મેના રોજ યોજનારી છે અને 18 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા માટેની અરજી કરી છે. ત્યારે 20 એપ્રિલ સવારે 11:00 કલાક સુધી જે ઉમેદવારો પરીક્ષા આપવા માંગતા હોય તેવા ઉમેદવારો જ કન્ફર્મેશન આપે. જેથી પરીક્ષાનું આયોજન સુચારુપણે કરી શકાય અને જેટલા ઉમેદવારોએ કન્ફર્મેશન આપ્યું હશે તેટલા જ ઉમેદવારો પરીક્ષા આપી શકશે.
આ પણ વાંચો Talati Exam 2023: તલાટીના ઉમેદવારોએ હવે પરીક્ષા પહેલા આપવું પડશે કન્ફર્મેશન
જે ઉમેદવારોએ 2 ફોર્મ ભર્યા હશે તો ? હસમુખ પટેલે વધુમાં જણાવ્યું હતું કે અનેક એવા ઉમેદવારો છે કે જેઓએ બેથી વધુ વખત ફોર્મ ભર્યા છે. ત્યારે આવા ઉમેદવારોએ ફક્ત એક જ વખત કન્ફર્મેશન આપવાનું રહેશે. જો બે વખત કન્ફર્મેશન આપશે તો તેવા ઉમેદવારો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે ગત રવિવારના રોજ યોજાયેલ જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ફક્ત 41 ટકા ઉમેદવારોએ જ પરીક્ષા આપી હતી તેને ધ્યાનમાં લઈને જ આ નિર્ણય કરવામાં આવ્યો છે જેથી સરકારના સંસાધનોનો બગાડ થાય નહીં.
આ પણ વાંચો TALATI EXAM 2023: 7 મેના રોજ તલાટીની પરીક્ષા યોજાશે
પરીક્ષા 12.30 થી 1.30 સુધી યોજાશે 7 મે 2023ના રોજ રાજ્ય સરકાર દ્વારા તલાટીની પરીક્ષાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી સત્તાવાર સમયની જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે હસમુખ પટેલે સંભવિત 12:30 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી પરીક્ષા યોજાય તેવી જાહેરાત કરી છે. પરંતુ હજી સુધી આ સમય નક્કી કરવામાં આવ્યો નથી. પરંતુ આ જ સમયમાં પરીક્ષા યોજાય તેવું આયોજન સરકારનું છે જેથી અન્ય જિલ્લાના ઉમેદવારો પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર સરળતાથી સમયસર પહોંચી શકે.