ગાંધીનગરઃ કોરોના સંક્રમણથી એક સમયે મુક્ત થઈ ગયેલું પાટનગર જિલ્લા વહીવટીતંત્ર, સ્થાનિક આરોગ્ય વિભાગ અને મહાપાલિકાની બેદરકારીને પરિણામે પુનઃ માથું ઉચક્યું છે. જેના કારણે શહેરના 12 જેટલા સેક્ટરને કોરેનટૉઇન કરવાની ફરજ પડી છે. સાથે શહેર અને જિલ્લાને રેડ ઝોનમાં મુકવામાં આવતા રહીશો અસુવિધાઓ સુવિધાઓ સાથે ભયની લાગણી અનુભવી રહ્યા છે.
ગાંધીનગરમાં વિદેશથી પરત આવી કોરોના સંક્રમણ માટે નિમિત્ત બનેલા સેક્ટર 29ના રહીશ યુવાનને કારણે શહેરમાં પ્રથમ તબક્કે 14 જેટલા કેસ નોંધાતા તંત્ર દ્વારા સેક્ટર 29 અને 23ને કોરેનટૉઇન કરી દેવામાં આવ્યા હતા. શરૂઆતમાં જ નીતિ નિયમોમાં કડકાઈ રાખીને સેક્ટર 29 ના રહીશોને લોખંડી સુરક્ષાથી જાણે કેદ કરી દેવામાં આવ્યા હોય તેમ દૂધ દવા કરિયાણું શાકભાજીથી લઈને અન્ય જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ માટે સ્થાનિક રહીશોને બહાર નીકળવા માટે ફક્ત પાબંધી લગાવી લાચાર સ્થિતિમાં મુકી દેવામાં આવ્યાં છે. સેક્ટર 29ની બિલકુલ બાજુમાં આવેલા સેક્ટર 22 માં ચાર દિવસ પહેલા એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે પરંતુ આ બંને સેકટરમાં સુરક્ષા અને સુવિધાઓ બાબતે રાજકારણ અજમાવવામાં આવતા ચર્ચાનો વિષય બની છે.
સેક્ટર 29ની બરાબર સામે આવેલા સેક્ટર 22ની સોસાયટીમાં મેયરનું નિવાસસ્થાન અને મત વિસ્તાર હોવાથી 29માં નીતિ નિયમોની કડક અમલવારીની સરખામણીએ સેક્ટર 22માં કડકાઈ દાખવવાને બદલે છુટકારો આપી દેવામાં આવતા સેક્ટર 29ના રહીશોમાં પક્ષપાતી નીતિનો ભોગ બન્યા હોવાની લાગણી સાથે ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં સેક્ટર 29 માંથી એક પણ કેસ પોઝિટિવ નથી, તેમ છતાં ચોતરફ લોખંડી પહેરો રખાયો છે. જ્યારે મેયરના મતવિસ્તાર સેક્ટર 22 માં 'ખાડે ડુચા દરવાજા ઉઘાડા' રાખી સુરક્ષાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે.
રોજબરોજની સામાન્ય બાબતો સુવિધાઓમાં રાજનીતિ સામાન્ય હોઈ શકે પરંતુ કોરોના જેવી ભયાનક મહામારીના આ સંજોગોમાં પણ ખુદ સત્તાધીશો દ્વારા જ મતોનાં રાજકારણથી પર રહીને જાહેર આરોગ્ય જોખમમાં મુકી હજારો નિર્દોષ રહીશો ના જીવન-મરણ સાથે ચેડા થાય એ માનવીય દ્રષ્ટિએ પણ તદ્દન યોગ્ય નથી. ત્યારે રાજનીતિને કારણે નિર્દોષ નાગરિકો આ રીતે સત્તાધીશો દ્વારા જ પક્ષપાતનો ભોગ બનશે, તો પાટનગરને કોરોનાં મુક્ત કરવાના સરકારના તમામ પ્રયાસો નિષ્ફળ રહેશે, સાથે પૉઝિટિવ કેસોમાં વધારો થવા સાથે મૃત્યુઆંક પણ વધશે એમાં કોઈ શંકા નથી. પક્ષપાતનો ભોગ બનેલા સેક્ટર 29મા જરૂરી સુવિધાઓ, સુરક્ષા અને જરૂરિયાતો માટે તંત્ર દ્વારા મર્યાદામાં રહીને છૂટછાટ અપાય અને કોરેનટૉઇનના નીતિનિયમોને રાજકારણથી પર રાખીને તમામ વિસ્તારોમાં પક્ષપાત વિના એક સરખો અમલ થાય તે જરૂરી છે.
આ બાબતે ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર ડૉ. રતનકવર ગઢવીચરણ સાથે વાત કરતાં કહ્યું કે જ્યારે શહેરમાં પહેલો કેસ આવ્યો ત્યારે નિયમો જુદા હતા. જે દર્દી ઘરે આવ્યા બાદ 28 દિવસ સુધી સેક્ટર 29 આખાને કોરેનટૉઇન રાખવામાં આવશે. જ્યારે હાલમાં જે કેસ આવી રહ્યા છે, ત્યાં એટલો જ વિભાગ લોક કરવામાં આવી રહ્યો છે. પરંતુ તેના નિયમ જુદા છે. સવાલ એ પણ થાય છે એક જ મહિનામાં કેવી રીતે નિયમો બદલાઈ શકે.
મહાપાલિકાને સ્થાપના થઇ ત્યારથી બે ચૂંટણી યોજાઈ છે. પરંતુ વોર્ડ નંબર 2માં ક્યારેય ભાજપ જીતી શક્યું નથી, તેના કારણે સેક્ટર 29 પ્રત્યે સત્તાધીશો દ્વારા આ પ્રકારની કિન્નાખોરી રાખવામાં આવતી હોય તેવી પણ ચર્ચા સાંભળવા મળી રહી છે. પહેલા કેસથી લઈને આજદિન સુધી ગાંધીનગર શહેરમાં સેક્ટર 29ને જ બાનમાં લેવામાં આવ્યુ છે.