ગાંધીનગર : તાજેતરમાં જ શક્તિસિંહ ગોહિલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પદભાર સંભાળી લીધો છેે. ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળતાની સાથે જ શક્તિસિંહ ગોહિલ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય કરે તેવી શક્યતા હતી. આજે દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓની બેઠક મળી હતી. ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા એક ખાસ જાહેરાત કરવામાં આવી છે. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતભરમાં રાજીવ ગાંધી ભવન બનાવવાનો નિર્ણય લીધો છે. જે અનુસાર ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકામાં કોંગ્રેસ કાર્યાલય બનાવવામાં આવશે.
દિલ્હીથી આવ્યું તેડું : આજે દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને કોંગ્રેસ હાઈકમાન્ડે આમંત્રણ આપ્યું છે. દિલ્હી ખાતે ગુજરાત કોંગ્રેસના નેતાઓની ખાસ બેઠક યોજાઈ છે. કોંગ્રેસના મહાસચિવ કે.સી.વેણુગોપાલ અને AICC ના ખજાનચી પવન બંસલની અધ્યક્ષતામાં આ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. શક્તિસિંહ ગોહિલના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે દિલ્હી ખાતે આ પ્રથમ બેઠક છે. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા,ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, અમિત ચાવડા, પરેશ ધાનાણી ઉપસ્થિત હતા.
રાજીવ ગાંધી ભવન : સૂત્રો અનુસાર કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકામાં રાજીવ ગાંધી ભવન બનાવવાનો નિર્ણય લીધો છે. આ બેઠકમાં ઓલ ઈન્ડિયા પ્રોપર્ટી ડિપાર્ટમેન્ટના સેક્રેટરી લાલભાઈ પટેલને ગુજરાતના કાર્યાલયોની પ્રોપર્ટીની માહિતી સાથે બોલાવવામાં આવ્યા હતા. ત્યારે આ બેઠકમાં ગુજરાતમાં કોંગ્રેસની પ્રોપર્ટી બાબતે ખાસ ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત આ બેઠકમાં લોકસભાની ચૂંટણી અંગે પણ ચર્ચા થઈ શકે છે.
મજબૂત નેતા : શક્તિસિંહ ગોહિલની રાજકીય છાપ મજબૂત નેતા તરીકેની છે. સાથે સાથે સંગઠનને મજબૂત કરવાની પણ કામગીરીમાં તેમની હથોટી હોવાનું રાજકીય પંડિતો માને છે. જેથી આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂત વિપક્ષ તરીકે બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા જોવામાં આવી રહી છે.વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના અનેક સિનિયર નેતાઓ ભાજપમાં જોડાઈ ગયાં છે. કોંગ્રેસના તાકાતવર નેતાઓ ભાજપમાં જોડાઈ જવાથી આ વખતે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ત્યારે શકિતસિહ મહત્વના નિર્ણય કરે તેવી શક્યતા છે.
એક્શન મોડ ઓન : ઉલ્લેખનિય છે કે, 2022 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ઇતિહાસની સૌથી ઓછી 17 બેઠકો મળી હતી. તે અત્યાર સુધીનું કોંગ્રેસનું સૌથી ખરાબ પરિણામ હતું. હવે શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસને ફરી એકવાર બેઠી કરવાનું કામ કરવાનું છે. જેમાં કોંગ્રેસનું બૂથ સ્તરનું સંગઠન ઊભું કરવું, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તૂટે નહીં તે ખૂબ જ જરુરી છે. ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવાની જવાબદારી શક્તિસિંહ ગોહિલને સોંપવામાં આવી છે.