દહેગામ નહેરુ ચોકડી પાસે આવેલા પી.યુ.સી સેન્ટર પર સરકારના નવા કાયદા બાદ ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન હોય તે ઢબે આખા તાલુકાના લોકો ત્યાં પી.યુ.સી કઢાવવા લાઈનો લગાવી પી.યુ.સી કઢાવતા હતા. લોકોએ ફરિયાદ કરી હતી કે કોઈ પણ પ્રકારના ઉપકરણો વગર જ માત્ર ફોટો પાડી પી.યુ.સી કાઢી આપવામાં આવતું હતું, મોટી રકમ વસુલી લેવામાં આવતી હતી.
ગાંધીનગર ઇન્ચાર્જ RTO ડી.એમ પટેલે કહ્યુ કે, ગામમાં લાઈસન્સ વગર પી.યુ.સી સેન્ટર ચાલતું હોવાની અમને કોઈ માહિતી નથી. તાલુકા અને ગ્રામ્ય લેવલે પીયુસી સેન્ટરને લઈને અનેક જગ્યાએ સરકાર પણ કરવામાં આવી રહી છે. વર્ષોથી બંધ પડેલા પીયુસી સેન્ટરના સંચાલકોને મલાઈ દેખાતા સર્ટીફીકેટ આપવાના શરૂ કરી દેવામાં આવ્યા છે. આ પી.યુ.સી સેન્ટર તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યું છે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે, જો આ પી.યુ.સી સેન્ટર ગેરકાયદેસર ચાલતું હતું તો, આ સેન્ટર પર કાઢવામાં આવેલા સેંકડો પી.યુ.સી માન્ય ગણાશે કે નહિ ગણાય? જો આ સેન્ટર કાયદેસર હતું તો માત્ર ફોટા પાડીને જ કેમ પી.યુ.સી આપી દેવામાં આવતું હતું ? શું RTO વિભાગની રહેમ નજર હેઠળ આ સેન્ટર ચાલી રહ્યું હતું ? આ પ્રશ્નોનો જવાબ મેળવવા તંત્ર દ્વારા તપાસ કરવાની જરૂર વર્તાઈ રહી છે.