ગાંધીનગર હિમાચલપ્રદેશ વિધાનસભાની ચૂંટણી 2022ની (Himachal Pradesh Assembly Elections) જાહેરાત થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસની ગુજરાતની મુલાકાતે (PM Modi two day visit in Gujarat) છે. બે દિવસ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતમાં રૂપિયા 15,670 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ (Gujarat development works) કરશે. આજે પીએમ મોદીએ જૂનાગઢમાં રૂપિયા 4155 કરોડ, રાજકોટ અને મોરબીમાં કુલ રૂપિયા 7710 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું અને ખાતમુહૂર્ત કર્યું હતું. તેમજ પીએમ મોદીએ ગાંધીનગરમાં ડીફેન્સ એક્સ્પો 2022નો (Defence Expo 2022 in Gandhinagar) પ્રારંભ કરાવ્યો હતો.
મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય સમારોહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં (Mahatma Mandir in Gandhinagar) ડિફેન્સ એક્સપો-2022નો વિધિવત શુભારંભ કરાવ્યો હતો. મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં ભારતીય સેનાની ત્રણેય પાંખોના વડાઓ અને વિવિધ દેશોના પ્રતિનિધિઓ તથા સંરક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા.
નૂતન ભારતની ભવ્ય તસવીર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિફેન્સ એક્સપોને નૂતન ભારતની ભવ્ય તસવીર ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, ભારતની માટીમાં, ભારતીય લોકોના પરસેવાથી સિંચાયેલા ઉત્પાદનો, કંપનીઓ, વૈજ્ઞાનિકો અને યુવાઓનું સામર્થ્ય લોહપુરુષ સરદાર પટેલની આ ધરતી પરથી સમગ્ર દુનિયાને ભારતના સામર્થ્યનો પરિચય કરાવી રહ્યા છે. તેમણે ડિફેન્સ એક્સપોમાં ભાગ લેવા ગુજરાત પધારેલી તમામ કંપનીઓને આહવાન કરતાં કહ્યું હતું કે, સશક્ત અને વિકસિત ભારતના આપણા સપનાને સાકાર કરો, હું તમારી સાથે છું. આપની ઉજ્જવળ આવતીકાલ માટે હું મારી આજ આપને અર્પણ કરવા માટે તત્પર છું.
450થી વધુ MOU અને એગ્રીમેન્ટ વડાપ્રધાને કહ્યું હતું કે, આ એક્સ્પોમાં 1300થી વધારે પ્રદર્શકો, 100થી વધારે સ્ટાર્ટઅપ્સ અને MSMEમાં ભાગ લઈ રહ્યા છે. આજે સમગ્ર દેશ અને દુનિયાના અન્ય દેશો ભારતની ક્ષમતા અને સંભાવનાની ઝલક એકી સાથે જોઈ રહ્યા છે. ડિફેન્સ એક્સપો 2022 દરમિયાન 450થી વધુ MOU અને એગ્રીમેન્ટ પર હસ્તાક્ષરો થશે.
53 આફ્રિકન મિત્ર દેશો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, દુનિયાના વિભિન્ન દેશો સકારાત્મક વિચારસરણી સાથે ભારત સાથે જોડાયા છે. 53 આફ્રિકન મિત્ર દેશો ખભેખભા મિલાવીને આપણી સાથે ઉભા છે. ડિફેન્સ એક્સપો-2022ના આ અવસરે ઇન્ડિયા-આફ્રિકા વચ્ચે ડિફેન્સ ડાયલોગનો પણ આરંભ થવા જઈ રહ્યો છે. એમ કહીને તેમણે કહ્યું હતું કે, ભારત અને આફ્રિકન દેશો વચ્ચેની મિત્રતા અને સંબંધો સમય સાથે વધુ મજબૂત બનીને વિકસી રહ્યા છે. બંને વચ્ચે સંબંધોના નવા આયામો વિસ્તર્યા છે.
આફ્રિકાની આધુનિક ટ્રેનના પાયામાં કચ્છના કામદારોનું યોગદાન ગુજરાત અને આફ્રિકન દેશો વચ્ચે આત્મીય સંબંધો રહ્યા છે. એમ કહીને તેમણે કહ્યું હતું કે, આફ્રિકાની આધુનિક ટ્રેનના પાયામાં કચ્છના કામદારોનું યોગદાન છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આફ્રિકામાં આજે પણ ‘દુકાન’, ‘રોટી’ અને ‘ભાજી’ જેવા શબ્દો આફ્રિકાના જનજીવન સાથે જોડાઈ ગયા છે આ શબ્દો ગુજરાતી છે. પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન ગુજરાત છે તો આફ્રિકા તેમની પહેલી કર્મભૂમિ રહ્યું છે. આફ્રિકન દેશો સાથેની આત્મીયતા અને અપનાપન ભારતની વિદેશ નીતિના પાયામાં છે. કોરોનાના સમયમાં ભારતે આફ્રિકન મિત્ર દેશોને વેક્સિન અને દવાઓ પહોંચાડવામાં પ્રાથમિકતા આપી હતી. આજે ભારત અને આફ્રિકન દેશો વચ્ચે રક્ષા ક્ષેત્રમાં સહયોગ અને સમન્વય આ સંબંધોને નવી ઊંચાઈ આપશે.
ડિફેન્સ પ્રોડક્શનના ક્ષેત્રે ગુજરાતની ઓળખ આજે ગ્લોબલાઇઝેશનને કારણે ભારત પાસેથી વિશ્વને અપેક્ષાઓ વધી છે, તો સાથો સાથ વિશ્વને વિશ્વાસ પણ છે કે ભારત હર કોશિશમાં કામિયાબ થશે. ભારત પાછું નહીં પડે. આ ડિફેન્સ એક્સ્પો એક રીતે વૈશ્વિક વિશ્વાસનું પ્રતિક પણ છે. તેમણે કહ્યું હતું કે, દેશ અને દુનિયામાં વિકાસથી લઈને ઔદ્યોગિક સામર્થ્ય સુધી ગુજરાતે પોતાની વિશેષ ઓળખ ઉભી કરી છે. ડિફેન્સ એક્સપોથી ડિફેન્સ પ્રોડક્શનના ક્ષેત્રે ગુજરાતની ઓળખને ચાર ચાંદ લાગ્યા છે, ગુજરાતના વિકાસને નવી ઊંચાઈઓ આપી છે. ગુજરાત ડિફેન્સના ક્ષેત્રમાં ઉત્પાદન ક્ષેત્રે મહત્વનું કેન્દ્ર બનશે. આ ક્ષેત્રમાં ગુજરાતનું યોગદાન વધશે તેવો મને પૂર્ણ વિશ્વાસ છે.
ડીસા એરબેઝનું વર્ચ્યુઅલ લોકાર્પણ ડીસા એરબેઝનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ડીસાવાસીઓ અને આ પ્રદેશના લોકોમાં આ શુભારંભથી નવા ઉત્સાહના દર્શન થયા છે. ડીસા એરસ્ટ્રીપ દેશની સુરક્ષાના ક્ષેત્રમાં મહત્વનો ભાગ ભજવશે. આંતરરાષ્ટ્રીય સીમાથી માત્ર 130 કિલોમીટરના અંતરે આકાર લેનારા ડીસા એરબેઝથી ભારતીય વાયુસેના દેશની પશ્ચિમી સીમા પર કોઈ પણ દુ:સાહસનો વધુ બહેતર જવાબ આપી શકશે.
મિશન ડિફેન્સ સ્પેસ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સશક્ત રાષ્ટ્ર માટે ભવિષ્યમાં સુરક્ષાના પરિણામો કેવા હોવા જોઈએ એનું આકલન જરૂરી છે. સ્પેસ ટેકનોલોજીનો વિકાસ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. તેમણે કહ્યું હતું કે, ત્રણેય સેનાઓ દ્વારા સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં વિભિન્ન પડકારોની ઓળખ કરવામાં આવી છે. વિસ્તૃત સમીક્ષા થઈ છે અને તેના સમાધાન માટે મિશન ડિફેન્સ સ્પેસ હાથ ધરવામાં આવ્યું છે. ભારતની સ્પેસ ટેકનોલોજીનો લાભ આફ્રિકા સહિત અનેક દેશોને મળી રહ્યો છે. સાઉથ એશિયા સેટેલાઈટ-સ્પેસ સાયન્સના વિકાસથી આશિયાનના દેશોને પણ રીયલ ટાઇમ એક્સેસ મળી રહ્યો છે. આપણા સેટેલાઈટના ડેટાનો ઉપયોગ કરીને સમુદ્રી વ્યાપાર પણ વધુ બહેતર બન્યા છે. સ્પેસ ટેકનોલોજીને આપણે નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છીએ. ડિફેન્સ એક્સપો-2022 નવા સંકલ્પોને ઊંચાઈઓ આપશે. દેશની કમાન આજે યુવાઓના હાથમાં છે. આ ડિફેન્સ એક્સપો ભારતના યુવાનોના ભવિષ્યની ચાવી છે.
રક્ષાક્ષેત્રની સૌથી મોટી સક્સેસ સ્ટોરી ઇન્ટેન્શન, ઇનોવેશન અને ઇમ્પલિમેન્ટેશન આ ત્રણેય ક્ષેત્રે ભારત આગળ વધી રહ્યું છે. અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં ડિફેન્સ ક્ષેત્રે ભારતની ઓળખ સૌથી મોટા આયાતકાર તરીકે રહી છે, પરંતુ મેક ઇન ઇન્ડિયા આજે રક્ષાક્ષેત્રની સૌથી મોટી સક્સેસ સ્ટોરી બન્યું છે. આજે રક્ષાક્ષેત્રમાં ભારતની નિકાસ આઠ ગણી વધી છે. ભારત 75થી વધુ દેશોમાં રક્ષાસામગ્રી અને ઉપકરણોની નિકાસ કરી રહ્યું છે.
પાથ ટુ પ્રાઇડની થીમ સાથે DefExpo2022 શુભારંભ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે વડાપ્રધાન નરેન્દ્રમોદીનું ગુજરાતીમાં સ્વાગત કરતા કહ્યું કે, તમારી ભૂમિ ગુજરાતમાં હું આપનું સ્વાગત કરું છું. ડાયનેમિક લીડર વડાપ્રધાન નેતૃત્વમાં "પાથ ટુ પ્રાઇડ"ની થીમ સાથે DefExpo2022 શુભારંભ થઈ રહ્યો છે એટલે કે આજ આત્મનિર્ભર, નવું ભારત છે. તે આપણા સૌ માટે ગૌરવ સમાન છે. ગુજરાતમાં આયોજિત સૌથી મોટો DefExpo2022 આવનાર 25 વર્ષોમાં ભારતને સંરક્ષણ ક્ષેત્રે નવી દિશા આપશે. DefExpo શક્તિનું, રાષ્ટ્ર ગૌરવનું પ્રતીક છે તેમ જણાવતા કહ્યું હતું કે, આ DefExpo માં 300થી વધુ ભારતીય કંપનીઓ ભાગ લઇ રહી છે જેમાં 80 થી વધુ કંપનીઓ માત્ર ડિફેન્સ ક્ષેત્રે કાર્યરત છે જે આત્મનિર્ભર ભારતનો શ્રેષ્ઠ ઉદાહરણ છે.
વિશ્વની પાંચમી મજબૂત અર્થવ્યવસ્થા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ગૌરવ સાથે કહ્યું હતું કે, આકાશ, ધરતી,અને જળની સાથે ભારત એરો સ્પેસ ક્ષેત્રે પણ પોતાની શક્તિ વધારી રહ્યું છે. મિશન DefSpace અંતર્ગત અવકાશ ક્ષેત્રે ભારત હવે વધુ નવા પડકારો અને તકો સાથે આગળ વધશે. ભારત સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરની સાથે વિશ્વની પાંચમી મજબૂત અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે.
NFSU અને RRUની સ્થાપના રાષ્ટ્રની બહુઆયામી સુરક્ષાને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ જણાવતા મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલે ઉમેર્યું કે, ગુજરાતમાં ભારતની સંરક્ષણ શક્તિ માટે વૈશ્વિક ફોરમની રચના કરવામાં આવી છે. મુખ્યપ્રધાને જણાવ્યું કે, રાજ્યના યુવાનોને આતંકવાદ વિરોધી, આંતરિક સુરક્ષા, સાયબર વોરફેર, લશ્કરી બાબતો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા વિષયોમાં શિક્ષણ આપવાનું વડાપ્રધાનનું સ્વપ્ન છે. જેને રાજ્ય સરકારે સાકાર કર્યું છે.
ડ્રોન પ્રમોશન એન્ડ યુઝ પોલિસી સંરક્ષણ ક્ષેત્રે યુવાનોને તાલીમ આપવા માટે મહત્વપૂર્ણ પહેલ કરી છે. દેશના યુવાનોને સંરક્ષણ અને સુરક્ષા વ્યવસ્થાપનમાં સમયસર શિક્ષણની તક પૂરી પાડવા માટે 2009માં ગુજરાતમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. આ બંને યુનિવર્સિટી હવે NFSU અને RRU છે. મુખ્યપ્રધાને ઉમેર્યું કે, વર્ષ 2016માં વિસ્તૃત એરોસ્પેસ અને ડિફેન્સ નીતિ શરૂ કરવાવાળું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું. ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગ માટે રાજ્ય સરકારે 'ડ્રોન પ્રમોશન એન્ડ યુઝ પોલિસી' લાગુ પાડી છે. 'ધ આત્મનિર્ભર સ્કીમ ફોર આસિસ્ટન્ટ ટુ ઇન્ડસ્ટ્રીઝ' દ્વારા ઉદ્યોગોને આત્મનિર્ભરતાનો રાહ બતાવ્યો છે.
મિશન ડેફ સ્પેસનું લોન્ચ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બુધવારે મહાત્મા મંદિર ખાતે ડેફએક્સપો 2022ના ઉદ્ઘાટન સમારંભ દરમિયાન મિશન ડેફ સ્પેસનું લોન્ચ કર્યું હતું. પીએમ મોદીએ મિશન ડેફ સ્પેસ વિશે જણાવ્યું હતું કે આપણા ડિફેન્સ ફોર્સિસને ઇનોવેટિવ સોલ્યુશન્સ શોધવાની જરૂર છે કે જેથી સ્પેસમાં ભારતની શક્તિ મર્યાદિત ન રહે અને તેનો લાભ પણ માત્ર ભારતના લોકો સુધી જ સીમિત ન રહે. વડાપ્રધાને જણાવ્યું કે આ આપણું મિશન પણ છે અને વિઝન પણ.
અવકાશમાં ટેકનોલોજી વિકાસ અવકાશએ યુદ્ધ માટેની અંતિમ સીમા છે અને રાષ્ટ્રીય સંરક્ષણની આગામી પેઢી માટે એક મહત્વનું પરિબળ છે. મિશન ડેફ સ્પેસનો ઉદ્દેશ સ્ટાર્ટઅપ્સ અને યુવા સાહસિકોના માધ્યમથી સંરક્ષણ એપ્લિકેશનો દ્વારા અવકાશમાં ટેકનોલોજી વિકાસને પ્રોત્સાહિત કરવાનો છે કે જે રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરી ભારતના સર્વાંગી વિકાસમાં ઝડપ લાવવામાં પણ મદદ કરશે.
ડીફેન્સ એક્સ્પોનું ઉદ્ઘાટન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ ગયા હતા, ત્યાં ચૂંટણીલક્ષી રૂપિયા 4155 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું અને શિલાન્યાસ કર્યા હતા. જૂનાગઢમાં પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર જેવી જ સભા કરી હતી. ત્યાર બાદ વડાપ્રધાન રાજકોટમાં રોડ શો કર્યો હતો, અને તેઓએ સૌરાષ્ટ્રવાસીઓ માટે રૂપિયા 7710 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું અને ખાતમુહૂર્ત કર્યા હતા. ભાજપ માટે સૌરાષ્ટ્ર ખૂબ મહત્વનું છે, આથી વડાપ્રધાને જૂનાગઢ અને રાજકોટમાં જોરથી પ્રચાર કર્યો હતો.