ગાંધીનગર: રાજ્યના પોલીસની છબી સોશિયલ મીડિયાથી ખરડાઈ છે. મહેસાણાના લાઘણજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીએ 4 વર્ષ પહેલાં સોશિયલ મીડિયામાં ટિકટોકમાં પોલીસ સ્ટેશનની અંદર જ જેલની આગળ જ વીડિયો બનાવીને પોસ્ટ કર્યો હતો. ત્યારથી પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ અને અનેક અધિકારીઓ કર્મચારીઓ સોશિયલ મીડિયામાં પોતાના વીડિયો અને રિલ્સ પોસ્ટ કરે છે. ત્યારે આજે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ કામગીરી બદલ લાલ આંખ કરી છે.
DGP સહાયનો કડક આદેશ: ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે આજે જ પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં ગુજરાત પોલીસના સદસ્યો માટે સોશિયલ મીડિયામાં ઉપયોગ બાબતની આચાર સંહિતા 2023 બહાર પાડવામાં આવી છે. પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા આ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જેમાં ખાસ કરીને કોઈપણ પોલીસ અધિકારી અથવા તો કર્મચારી દ્વારા ફરજ પર અથવા ફરજ સિવાયના સમયે પોલીસ યુનિફોર્મમાં સોશિયલ મીડિયાની રીલ્સ અને વીડિયો બનાવી શકાશે નહીં. કારણકે આનાથી પોલીસની છબીને કલંકીત થાય છે.
નિયમોના ભંગ બદલ થશે કાર્યવાહી: પોલીસ વડા વિકાસ સહાયે જાહેર કરેલા પરિપત્ર મુજબ સોશિયલ મીડિયામાં કોઈપણ પોલીસ કર્મચારી અને અધિકારી રીલ અથવા તો વીડિયો બનાવીને અપલોડ કરી શકશે નહીં. જો કોઈ પોલીસ અધિકારી અથવા તો કર્મચારી સોશિયલ મીડિયાના ઉપયોગ બાબતની આચાર સંહિતાનો ભંગ કરશે તો તેમની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તમામ જિલ્લાના પોલીસ વડાઓ, શહેરના પોલીસ કમિશનર અને એસઆરપી જવાનોને ખાસ આ અંગે સૂચના આપવામાં આવી છે.