ગાંધીનગર : ગુજરાતની 17 જેલોમાં ગત રાત્રે જે કાર્યવાહી થઇ હતી તેનું આયોજન રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી, ડીજીપી વિકાસ સહાય સહિતના પોલીસ બેડાના ઉચ્ચ અધિકારીઓ વગેરેની બેઠકમાં થયું હતું. આ કાર્યવાહીમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર, જૂનાગઢ, પોરબંદર, મહેસાણા જેલ સહિતની જેલમાં અત્યાધુનિક સર્વેલન્સ સાધનોથી સજ્જ અધિકારીઓ દ્વારા દરોડાની કાર્યવાહી સંચાલિત કરવામાં આવી હતી. જેલોમાં ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્કવોડ, બોડી વોર્ન કેમેરા સાથે અધિકારીઓનું સર્ચ ઓપરેશન નજરોનજર નિહાળવામાં પણ આવ્યું હતું. બેઠકમાં લેવાયેલા નિર્ણય હેઠળ સાગમટે દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં અધિકારીઓના મોબાઇલ લઇ લેવાયા હતાં. શા કારણે આ સર્ચ ઓપરેશન કન્ડક્ટ થયું?
અતીક અહેમદ મામલો :ગુજરાત વિધાનસભામાં અમદાવાદ સુરત જેલમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓ ઝડપાઇ હતી. ઉત્તર પ્રદેશના આરોપી અતીક અહેમદ સાબરમતી જેલમાં રહીને મુખ્ય સાક્ષી ઉમેશપાલની હત્યા નું કાવતરું જેલમાં થયું હોવાની વાત સામે આવી હતી. ત્યારે 24 માર્ચ મોડી રાત્રે રાજ્યની 17 જેલ પ્રસાશનને જાણ વગર જ ગૃહ વિભાહ દ્વારા અચાનક રાજ્યની જેલોમાં રેઇડ પડવામાં આવી હતી. રેઇડ વખતે પોલીસ અધિકારીઓ બોડી વોર્ડ કેમેરાથી સજ્જ કરવામાં આવ્યાં હતાં. સમગ્ર કાર્યવાહીને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને સીએમ ડેસ્ક બોર્ડના માધ્યમથી, ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાય સહિતની આલા ઓફિસરોની ટીમે 17 જિલ્લાની કામગીરીને નેત્રમ મારફતે ગાંધીનગર DGP ઓફીસથી કામગીરી લાઈવ નિહાળી હતી.
નેત્રમ અને વિશ્વાસ :ગુજરાતના ગૃહ વિભાગના નેત્રમ પ્રોજેકટની વાત કરવામાં આવે તો ગુજરાતમાં તમામ શહેર જિલ્લા અને પવિત્ર યાત્રાધામમાં 7000 જેટલા CCTV નેટવર્કનું સામ્રાજ્ય પાથરવામાં આવ્યું છે. નેત્રમ પ્રોજેકટ એ વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગતનો એક એવો પ્રોજેકટ છે જે સંપૂર્ણપણે ગૃહ વિભાગ હસ્તક કાર્યરત રહે છે. જ્યારે DGP ઓફીસ ખાતે વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત એક ખાસ બિલ્ડિંગ પણ તૈયાર કરવામાં આવ્યું છે.
ટેકનોલોજી સર્વેલન્સ જેમાં ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓ, 6 પવિત્ર યાત્રાધામ, 41 શહેરના એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ, ટ્રાફિક જંકશન અને અન્ય સ્ટ્રેટેજીક સ્થળોએ 7000થી વધુ CCTV કેમેરા લગાવીને નેત્રમ પ્રોજેકટ અંતર્ગત District Level Command & Control Connectivity સાથે જોડવામાં આવ્યા છે. જ્યારે તમામ જિલ્લાઓના નેત્રમને ગાંધીનગર DGP ઓફીસ ખાતે ત્રિનેત્ર સાથે જોડાણ કરવામાં આવ્યું છે. જ્યારે ગુજરાતના 684 પોલીસ સ્ટેશન અને 10,000 જેટલા બોડી વોર્ન કેમેરા અને 15 ડ્રોન બેઝડ કેમેરા સીસ્ટમને ત્રિનેત્ર સાથે કનેક્ટ કરવામાં આવ્યા છે જેથી DGP ઓફીસ, CM ડેસ્ક બોર્ડ પર સીધું મોનીટરીંગ થઈ શકે છે.
સીસ્ટમનો ઉપયોગ કેવી રીતે : રાજ્યના ભાગ દ્વારા જણાવ્યા અનુસાર ત્રિનેત્ર ખાતે ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમના ભાગરૂપે ઓટોમેટિક નંબર પ્લેટ રેક ગ્રાઈનેઝશન, રેડ લાઈટ વાયોલેશન, ગેરકાયદેસર પાર્કિંગ, વિરુદ્ધ દિશામાં વાહન ચલાવવું, ક્રાઇમ ડિટેક્શન માટે ઉપયોગ થાય છે. જ્યારે વાહન ચોરીની ઘટનામાં વાહનના નંબર સિસ્ટમમાં બલિંગકિંગ થાય છે જેમાં ચોરી કરેલ વાહન રોડ પરથી પસાર થાય તો જે તે જિલ્લામાં સીધી કમાન્ડ & કન્ટ્રોલ રૂમમાં ઓટોમેટિક મેસેજ ડિસ્પ્લે થાય છે.
એવોર્ડ વિનર પ્રોજેક્ટ : હા, આ ખાસ સીસ્ટમ માટે રાજ્ય સરકારે 266 સિનિયર અને જુનિયર એન્જિનિયર તથા પોલીસ અધિકારીઓને પણ જવાબદારી સોંપી છે. જ્યારે આ કામગીરી માટે 2022 માં પોલીસ એન્ડ સેફટી કેટેગરીમાં સ્કોચ એવોર્ડ, 2021માં પ્રોજેક્ટ ઓફ ધ યર કેટેગરીમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ, અને વર્ષ 2021માં સેફ સિટી કેટેગરીનો સ્માર્ટ સિટીઝ ઇન્ડિયા એવોર્ડ પ્રાપ્ત થયો છે.
અમિત શાહે કરી હતી ટિપ્પણી :કેન્દ્રીય ગૃહ અને સહકાર અમિત શાહે 23 જુલાઈ 2022ના રોજ NFSU ખાતે ઓનલાઈન એફઆઈઆરનું લોન્ચિંગ કર્યા બાદ રાજ્ય સરકારને એક ટકોર કરી હતી. જેમાં કહ્યું હતું કે 7000 સીસીટીવી કેમેરા પૂરતા નથી. આને લઇને કામ થઇ રહ્યું છે. જ્યારે આવનારા દિવસમાં રાજ્ય સરકાર રાજ્યના તમામ ધાર્મિક સ્થળો અને તમામ ખાનગી સોસાયટીઓમાં, રેલવે સ્ટેશન, એરપોર્ટ અને બસ સ્ટેન્ડના સીસીટીવી કેમેરાને પણ નેત્રમમાં ઇન્ટીગ્રેટ કરવામાં આવશે. જેથી તાત્કાલિક ધોરણે કોઈપણ ઘટનાને રોકી શકાય. આ ઉપરાંત રાજ્યના બંદરોને પણ સીસીટીવીથી સજ્જ કરીને આ સમગ્ર નેટવર્કનું પ્રસારણ કંટ્રોલ સેન્ટર ખાતે થાય તેવી સૂચના આપી હતી.
ફક્ત એક જ તબક્કો પૂર્ણ : ગુજરાત રાજ્યમાં સીસીટીવી કેમેરાના નેટવર્ક અંતર્ગત 7000 જેટલા સીસીટીવી લગાવીને રાજ્યમાં વિશ્વાસ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. જ્યારે બીજા તબક્કામાં વધુ 10,000 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 7000 સીસીટીવી કેમેરાના નેટવર્કથી અત્યાર સુધીમાં રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર 6200 થી વધુ ગુનાઓનો ઉકેલ લાવવામાં આવ્યા છે. સાત કરોડની રકમ દેખાવા થઈ છે.
આગામી દિવસોમાં વિસ્તાર થશે : આ ઉપરાંત 950થી વધુ ગુનેગારોની ધરપકડ પણ વિભાગે કરી છે. સાથે જ ટ્રાફિક વાયોલેશન ના 55 કરોડના 15,32,252 ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જ્યારે ગૃહ વિભાગના મુખ્ય સચિવ તરીકે રાજકુમાર ફરજ બજાવતા હતાં. ત્યારે તેઓએ નિવેદન આપ્યું હતું કે સરકારે યોગ્ય પ્લાનિંગ સાથે મહત્વપૂર્ણ સ્થળો સીસીટીવી લગાવીને સુરક્ષાની દ્રષ્ટિએ મજબૂત કામગીરી કરી છે અને આગામી દિવસોમાં વિશ્વાસ પ્રોજેક્ટનો વ્યાપક નાના શહેરો સુધી વિસ્તારવામાં આવશે.