ગાંધીનગર: 21 સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરુ થશે. તે પહેલા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મુખ્યપ્રધાનના નિવાસે રાજ્યના કેબિનેટ કક્ષાના પ્રધાનો સાથેની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. જેમાં વિધાનસભા સત્રમાં વિપક્ષને કઈ રીતે જવાબ આપવો અને કયા મુદ્દા પર વધુ ભાર રાખવો તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી છે. તેવી સૂત્રો તરફથી જાણકારી મળી છે.
આ અંગે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતા હેઠળ આ ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના તમામ પ્રધાનો, મુખ્યપ્રધાનના નિવાસસ્થાન ખાતે હાજર રહેશે. આ બેઠકમાં વિધાનસભાના ચોમાસુ સત્રમાં કોરોનાની પરિસ્થિતિ તથા આવનારા સમયમાં શાળાઓ ક્યારે શરૂ કરવી તથા નવરાત્રિનું આયોજન કરવું કે, નહીં આ તમામ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવશે. જ્યારે શાળા શરૂ કરવા બાબતે તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા 21મી સપ્ટેમ્બરથી શાળાઓ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ રાજ્ય સરકાર આ બાબતે વધુ ગંભીરતાથી ચર્ચા કર્યા બાદ જ રાજ્યમાં શાળા શરૂ કરવા અંગેની નિર્ણય જાહેર કરવામાં આવશે.
રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે 21 સપ્ટેમ્બરના દિવસથી શાળા શરૂ કરવાનું સૂચન કર્યું છે, તે મરજીયાત સૂચન છે. જ્યારે શાળા શરૂ કરવી કે, નહીં તે મુદ્દે રાજ્ય સરકાર આગામી સમયમાં નિર્ણય કરશે. જ્યારે સૂત્રોનું માનીએ તો રાજ્યમાં દિવાળી સુધી શાળાઓ શરૂ નહીં થઇ શકે તેવા પણ રાજ્ય સરકાર તરફથી સંકેત મળી રહ્યાં છે.
21 સપ્ટેમ્બરથી શરૂ થનારા વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાનની કામગીરી મુદ્દે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે નવરાત્રિના આયોજન કઇ રીતે કરવું અને મંજૂરી આપવી કે, નહીં તે અંગેની પણ વિસ્તૃત ચર્ચા થઇ હોવાનું સૂત્રો તરફથી માહિતી મળી હતી. જ્યારે આગામી દિવસોમાં રાજ્ય સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરશે, ત્યારે કેવી વ્યવસ્થા રાખવી તે મુદ્દે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.