ઉલ્લેખનીય છે કે, રાજ્યની ભાજપ સરકાર ખેડૂતોના પ્રશ્નોને લઈને બેકફૂટ પર આવી ગઈ છે. તાજેતરમાં ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળીયો માવઠાના કારણે ઝૂંટવાઈ ગયો હતો. ત્યારે કોંગ્રેસના ધોરાજી બેઠકના ધારાસભ્ય લલિત વસોયાએ પાક વીમા મુદ્દે કૃષિપ્રધાનને પત્ર લખ્યો છે.
જેમાં તેમણે જણાવ્યું છે કે, 'માવઠાથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે. તે બાબતને સ્વીકારીને સર્વે કરાયો તે બદલ આભાર. પરંતુ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ થાય ત્યારથી વર્ષ 2017-18 સુધી વીમા કંપની સાથે થયેલા એગ્રીમેન્ટમાં ખેડૂતોનો પાક તૈયાર થઈને ખેતરમાં પડ્યો અથવા તૈયાર થઈ ગયો હોય તેમજ કમોસમી વરસાદથી પાકને નુકસાન થયું હોય તો વીમો મળે તેવી જોગવાઇ હતી. પરંતુ વર્ષ 2019-20માં સરકારે વીમા કંપનીઓ સાથે કરેલા એગ્રીમેન્ટમાં આ જોગવાઇ અને કાઢી નાખી છે.'
સમગ્ર રાજ્યના ખેડૂતોને આ બાબતને ધીરે-ધીરે જાણ થઈ રહી છે ત્યારે તેમનામાં ચિંતા જોવા મળી રહી છે. ત્યારે માગ છે કે, વર્ષ 2017-18માં કંપનીઓ સાથે કરવામાં આવેલું એગ્રીમેન્ટ અને વર્ષ 2019માં સરકારે પાક વીમાને લઈને કરેલું એગ્રીમેન્ટ જાહેર કરવામાં આવવું જોઈએ. તેમણે કહ્યું કે, મને એવી પણ રજૂઆતો મળી રહી છે કે, સરકારે પોતાનું પાપ છુપાવવા માટે છેલ્લે ખેડૂતોના વિરોધ વચ્ચે આશરે 4 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે.