ગાંધીનગર: ગાંધી જયંતીના નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા ખાદી ખરીદી બાબતે ડિસ્કાઉન્ટની જાહેરાત કરે છે. લોકો ખાદીનો ઉપયોગ વધુ કરે તે હેતુથી રાજ્ય સરકારના પ્રધાનો પણ ખાદીની ખરીદી કરી હતી. ખાદી ફોર ફેશનના મંત્રને ધ્યાને લઈને ગુજરાત રાજ્યના ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતે પણ ગાંધીનગરના સેક્ટર 16 ખાતે આવેલ ખાદી ભવનમાંથી બે જભ્ભા અને એક રૂમાલની ખરીદી કરી હતી.
'રાજ્ય સરકારે બીજી ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી રાજ્યમાં ઉત્પાદિત ખાદી ઉત્પાદનની કિંમત ઉપર માન્ય સંસ્થા અને મંડળીઓને 20 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયના પરિણામે ધાર્મિક તહેવારો જાહેર તેમજ સામાજિક પ્રસંગોમાં લોકોને ખાદીની ખરીદી માટે પ્રોત્સાહન મળશે. રાજ્યમાં ખાદીનું વેચાણ વધવાથી ગુજરાતની 230 જેટલી માન્ય ખાદી સંસ્થા અને મંડળીઓના ખાદી ઉત્પાદનની કામગીરી સાથે સંકળાયેલ અંતરિયાળ વિસ્તારના અંદાજિત 13500 જેટલા કારીગરોને રોજગારી મળશે.' -જગદીશ વિશ્વકર્મા, ઉદ્યોગ પ્રધાન, ગુજરાત
ખાદી ફોર ફેશન: ખાદીની ખરીદી બાદ રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ અપીલ છે કે લોકો ખાદી ફોર નેશન અને ખાદી ફોર ફેશનના રૂપમાં અપનાવે. તેને ધ્યાને રાખીને જ કેન્દ્ર સરકાર 30 ટકા કેવીસી આપે છે અને 20 ટકા કેવીસી રાજ્ય સરકાર આપે છે. આમ ખાદી સાથે સંકળાયેલી સંસ્થાઓને કુલ 50 ટકા જેટલી રાહત આપવામાં આવે છે. છેલ્લા 8 વર્ષમાં દેશમાં કુલ 1 કરોડ અને 75 લાખ દિવસ જેટલી રોજગારી ખાદી સાથે સંકળાયેલી સંસ્થાઓ દ્વારા પેદા થઇ છે.