- 92 વર્ષની ઉંમરે પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું નિધન
- CM વિજય રૂપાણી, ડે. સીએમ નીતિન પેટેલ અને રાજ્યગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અંતિમ વિધિમાં રહ્યા હાજર
- કૌશિક પટેલ, હાર્દિક પટેલ, પ્રવીણ તોગડિયા, ગૌતમ અદાણીએ પણ કેશુભાઈ પટેલને આપી શ્રદ્ધાંજલિ
ગાંધીનગર : રાજ્યના ભાજપ પક્ષના પૂર્વ મુખ્યપ્રધાન એવા કેશુભાઈ પટેલનું આજે અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં નિધન થયુંં હતું. જેને લઈને રાજ્ય સરકાર અને ભાજપ પક્ષ દ્વારા તમામ જાહેર કાર્યક્રમો રદ કર્યા હતા. સાથે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ લીંબડીના પ્રવાસને પડતો મૂકીને ગાંધીનગર આવીને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટના સ્મરણ યાદ કર્યા
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટમાં પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને વંદન કર્યા હતા. ત્યારબાદ જ્યારે કેશુભાઈ પટેલ રાજકોટ નગરપાલિકામાં સંબોધન કરતા હતા, ત્યારે વિજય રૂપાણી છેલ્લી હરોળમાં બેસીને તેમનું સંબોધન સાંભળતા હતા. તે સ્મરણો વિજય રૂપાણીએ યાદ કર્યા હતા. જ્યારે ગુજરાતમાં ભાજપનો જીતનો પાયો નાખનાર જ કેશુભાઈ પટેલ હોવાનું નિવેદન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આપ્યું હતું.
પહેલા જનસંઘ હારવા માટે ચૂંટણી લડતું હતું, હવે જીતવા માટે ભાજપ ચૂંટણી લડે છે
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, કેશુભાઈ પટેલે જનસંઘથી તેઓ એક લીડર હતા. જ્યારે પહેલાની વાત કરવામાં આવે તો પહેલા જનસંઘ હારવા માટે ચૂંટણી લડતું હતું પરંતુ, ભાજપ સ્થાપના થઇ અને ત્યાર બાદથી હવે ભાજપ ફક્ત ચૂંટણી જીતવા માટે જ ચૂંટણી લડે છે અને એ જીતીને પણ બતાવે છે.
તમામ કાર્યકર્તાઓ સાથે રાખીને ચાલતા હતા : કૌશિક પટેલ
રાજ્યના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ શ્રદ્ધાંજલિ આપ્યા બાદ જણાવ્યું હતું કે, કેશુભાઈ પટેલ તમામ કાર્યકર્તાઓને સાથે રાખીને ચાલતા હતા. સાથે જ સરકાર અને સંગઠનમાં પણ તેઓ એક મહત્વનું પાસુ ધરાવતા હતા. તેમની ખોટ ભાજપ પક્ષ અને સરકારને હંમેશા મહેસૂસ થશે.
પીએમ મોદીના કાર્યક્રમમાં કોઈ ફેરફાર નહીં : નીતિન પટેલ
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પણ પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. રાજ્ય સરકારમાં સૌપ્રથમ કેબિનેટ અને રાજ્યકક્ષાનામાં નીતિન પટેલ જ પહેલા હાજર થયા હતા. ત્યારબાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, સી.આર.પાટીલ, જીતુ વાઘાણી સહિતના નેતાઓ શ્રદ્ધાંજલિ માટે કેશુભાઈ પટેલના ઘરે પહોંચ્યા હતા. ત્યારે નીતિન પટેલે બાપાને યાદ કરતા જણાવ્યું હતું કે, કેશુભાઈ પટેલ સાથે તેમના ગાઢ સંબંધ હતા. તેઓએ ખેડૂતો માટે પણ અનેક કાર્યો કર્યા છે. જ્યારે શુક્રવારે 30 ઓક્ટોબરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે તેના કાર્યક્રમમાં કોઇ જ ફેરફાર કરવામાં આવ્યો નથી પરંતુ ફક્ત એક જ દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે.
આંદોલન વખતે કેશુભાઈ પટેલ અમને જોશ આપતા હતાઃ હાર્દિક પટેલ
પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો અને ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ હાર્દિક પટેલ પણ પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલિ માટે તેમના નિવાસસ્થાન ખાતે પહોંચ્યા હતા. શ્રદ્ધાંજલિ આપ્યા બાદ હાર્દિક પટેલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલન વખતે અમે અનેક વખત બાપાને મળ્યા હતા અને તેઓએ અમને કીધું હતું કે તમે જે કામ કરો છો તે કામ કરતા રહો અને આગળ વધો. એવી રીતે જ અમને જોશ આપતા હતા અને અમે આગળ વધતા હતા. એમની ખોટ હંમેશા વર્તાશે.
અમદાવાદ મેયર અને ગાંધીનગર મેયર રહ્યા હાજર
સ્વર્ગવાસ કેશુભાઈ પટેલની અંતિમ ક્રિયા અને શ્રદ્ધાંજલિ માટે અમદાવાદના મેયર બિજલ પટેલ અને ગાંધીનગરના મેયર રીટા પટેલ પણ હાજર રહ્યા હતા. તેઓએ પણ શ્રદ્ધાંજલિ આપીને પોતાના સંસ્મરણો યાદ કર્યા હતા. સાથે જ ભાજપ પક્ષે એક મોટા દિગ્ગજ નેતા ગુમાવ્યા હોવાનું નિવેદન પણ બંને મેયર દ્વારા કરવામાં આવ્યું હતું.
રાજકીય વિધિસર અંતિમ વિદાય આપવામાં આવી
સાંજે 5:00 કલાકે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સહિત તમામ ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં તેઓને રાજકીય સન્માન સાથે કેશુભાઈ પટેલની અંતિમ યાત્રા યોજાઇ હતી. જેમાં તમામ દિગ્ગજ નેતાઓ અંતિમયાત્રામાં જોડાયા હતા. સાથે જ સેક્ટર 30 ખાતે આવેલ સ્મશાન ગૃહમાં વિધિસર વિધી કરીને તેઓ પંચમહાભૂતમાં વિલીન થયા.