ગાંધીનગર : વગદારો, પૈસાદારો અને અસામાજિક તત્વોના દબાણ તથા પ્રભાવ હેઠળ પોલીસ સામાન્ય નાગરિકોની ફરિયાદ નોંધતી નથી અને જો ફરિયાદ થાય તો તપાસ કરતી ન હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. તેને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે રાજ્ય અને જિલ્લા સ્તરે પોલીસ કમ્પ્લેન ઓથોરીટી રચવાનો આદેશ કર્યો હતો.
જેના પગલે ગુજરાત રાજ્યના ગૃહ વિભાગે દરેક જિલ્લામાં આવી ઓથોરિટીની રચના કરીને પ્રત્યેક ઓથોરિટીમાં ધારાસભ્યોની નિમણૂક કરી છે. મહત્વની વાત છે કે, પોલીસ ચોપડે ગુનેગાર એવા NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાની પણ આ ઓથોરિટીમાં સભ્ય તરીકેની નિમણૂક રાજ્ય સરકારે કરી છે.
પોલીસ ચોપડે ગેરકાયદેસર હથિયાર રાખવા, ધમકી આપવી જેવા ગુનાઓના આરોપ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા પર છે, પરંતુ કાંધલ જાડેજાને ગૃહવિભાગે પોલીસ કમ્પ્લેન ઓથોરીટીમાં સભ્ય તરીકેની નિમણૂક કરી છે.
સૌરાષ્ટ્રના પોરબંદરમાં દબંગ ધારાસભ્યની છાપ ધરાવતા NCPના કાંધલ જાડેજા 3 વખત રાજ્યસભા ચૂંટણીમાં પોતાની પાર્ટીના વિરુદ્ધ જઈને ભાજપના ઉમેદવારને મત આપી ચૂક્યા છે. આથી ભાજપ સરકારે પોલીસ કમ્પ્લેન ઓથોરીટીમાં નિયુક્ત કરીને કાંધલ જાડેજાને ઇનામ આપ્યું હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે.
પોલીસ કમ્પ્લેન ઓથોરીટીમાં પોલીસ વિરુદ્ધની ફરિયાદોમાં સરકાર સામે કાર્યવાહી કરવા ભલામણ કરી શકે તેવા પણ અધિકારો આપવામાં આવ્યા છે.
પોરબંદર જિલ્લાની ઓથોરિટીમાં કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની નિમણૂક કરવામાં આવી છે. કાંધલ જાડેજા સામે અત્યાર સુધીમાં પોરબંદર, અમદાવાદ, રાજકોટ સહિત જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. ત્યારે કાંધલ જાડેજાને પોલીસ કમ્પ્લેન ઓથોરીટીમાં સભ્ય તરીકે નિયુક્તિ થતા જ રાજકીય વાતાવરણમાં પણ ચર્ચાનો વિષય બની ગયો છે.