ગાંધીનગર : પાટણ જિલ્લાના કાકોશી ગામમાં રવિવારે ક્રિકેટ રમવાના બાબતે એક દલિત યુવાનનો અંગૂઢો કાપી નાખવાની ઘટના સામે આવી છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ગઈ કાલે અમદાવાદની હોસ્પિટલમાં યુવાનની મુલાકાત કરી હતી. ક્રિકેટ મેચની બબાલમાં દલિત પર હુમલાની ઘટનાની ફરિયાદ નોંધાઇ છે. જે પોલીસ ફરિયાદમાં યોગ્ય કલમો ન હોવાનો આક્ષેપ જિજ્ઞેશ મેવાણીએ કર્યો હતો. આ સંદર્ભે આજે મંગળવારે મેવાણીએ ડીજીપી વિકાસ સહાયને મળીને રજૂઆત કરવા ડીજીપી ઓફિસ પહોંચ્યાં હતાં.
શું હતી સમગ્ર ઘટના : પાટણ જિલ્લાના કાકોશી ગાંમી ઘટના બાબતે કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે 3 દિવસ પહેલાં કાકોશી ગામમાં ક્રિકેટ મેચ રમાઇ રહી હતી તે દરમિયાન બોલ બાઉન્ડ્રીની બહાર જતા એક દલિત બાળક કે જેની ઉંમર 8 વર્ષની છે તેણે આ બોલ લઇ લીધો હતો અને પરત આપ્યો ન હતો. તે બાબતે ક્રિકેટ રમી રહેલાં લોકો ઉશ્કેરાયા હતાં. ત્યારબાદ સામાન્ય બોલીચાલી બાદ સમાધાન પણ થયું હતું. પણ આ બાબતનો રોષ રાખીને ક્રિકેટ રમતા યુવાનોએે બાળકના પિતા પર હુમલો કર્યો હતો અને તેઓના હાથના અંગુઠા અને હથેળી પર તલવાર અને ચાકુથી હુમલો કરીને અંગુઠો અને હથેળી કાપી નાખવાને અંજામ આપવામાં આવ્યો હોવાની વાત મેવાણીએ કરી હતી.
આ સમગ્ર ઘટનાને ત્રણ દિવસ સુધી ચૂક્યા છે પરંતુ પોલીસે ફક્ત બે લોકોની જ ધરપકડ કરી છે. જ્યારે 35 લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હજુ સુધી આરોપીઓ પોલીસ પકડની બહાર છે. 8 વરસના દલિત દીકરાને લાફા મારી, જમીનમાં દાટી દેવાની ધમકી આપી અને તલવારથી એના પિતાનો હાથનો અંગૂઠો કાપી દેનાર પાટણના કાકોશીના આરોપીઓ સામે જુવેનાઈલ એક્ટ, પોસ્કો, 120 -b ( ગુનાહિત ષડયંત્ર) , IPC -34 અને 307 ( હત્યાની કોશિશ)ની કલમો દાખલ થાય અને તમામ આરોપીઓની ધરપકડ થાય એ જરૂરી છે...જિજ્ઞેશ મેવાણી (કોંગ્રેસ ધારાસભ્ય)
ફરિયાદમાં લગાવાયેલી કલમો વધારવાની માગ : કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ડીજીપી ઓફિસે પહોંચ્યાં બાદ દલિત પરિવાર પર હુમલા સંદર્ભે પાટણ પોલીસમાં નોંધાયેલી પ્રમુખ કલમોમાં વધારો કરવાની માંગ કરી છે. જેમાં એસસીએસટી પ્રોટેક્શન અધિનયમ સહિત જુવેનાઇલ એક્ટ અને હત્યાના પ્રયાસની કલમો લગાવવાની માગ કરી હતી.
મેવાણીની ડીજીપીને રજૂઆત : ડીજીપી ઓફિસ પર રજૂઆત કરવા આવેલા કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે પાટણ પોલીસ તાત્કાલિક ધોરણે આ તમામ આરોપીઓની ધરપકડ કરે તેવી માંગ કરવામાં આવી છે. જ્યારે પોલીસ ફરિયાદમાં છ લોકોના નામ સાથે ફરિયાદ છે પરંતુ પાટણ પોલીસે ફક્ત બે જ આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે તમામ આરોપીઓની ધરપકડ થાય તેને લઈને પણ જિજ્ઞેશ મેવાણી ડીજીપી ઓફિસે પહોંચ્યા હતા.