ગાંધીનગરઃ રાજ્યમાં 29 જાન્યુઆરીએ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની જૂનિયર ક્લર્કની પરીક્ષા હતી, પરંતુ પરીક્ષા પહેલાં જ પેપર લીક થઈ ગયું હતું. તેના કારણે 9 લાખ જેટલા ઉમેદવારોએ રોવાનો વારો આવ્યો હતો. ત્યારે બોર્ડે આ પરીક્ષા મોકૂફ રાખી હતી. આ પેપર લીક મામલે ફરી એક વાર સરકાર પર કીચડ ઉછળ્યું હતું. ત્યારે હવે આ સમગ્ર પરીક્ષા ફરી લેવાશે. તેની સંપૂર્ણ જવાબદાર ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડના ચેરમેન આઈપીએસ હસમુખ પટેલને ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ ચેરમેનની જવાબદારી આપી છે. હવે તેમના વડપણ હેઠળ પરીક્ષાનું આયોજન થશે.
આ પણ વાંચો Junior Paper Leak Case : જૂનિયર ક્લાર્કની પરીક્ષાના 36000 પેપરોનો કરાયો નાશ
બોર્ડના અધિકારીઓ સાથે કરી બેઠકઃ ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન આઈપીએસ હસમુખ પટેલને રાજ્ય સરકારે પંચાયતી બોર્ડના ચેરમેન તરીકેનો વધારાનો ચાર્જ સોંપ્યો છે. ત્યારે આજે પ્રથમ દિવસે જ તેમણે અધિકારીઓ સાથે બેઠક કરી પરીક્ષા અંગે ચર્ચા કરી હતી. ઉપરાંત જૂની પરીક્ષા જે રીતે લેવાઈ હતી. તે પરીક્ષાની સિસ્ટમનો પણ રિવ્યૂ કર્યો હતો. જ્યારે આ પરીક્ષા જિલ્લા તાલુકા કક્ષાએ યોજાઈ હતી અને હવે આવનારા દિવસોમાં પણ કોઈ પ્રકારની કચાશ ન રહે તેને ધ્યાનમાં લઈને જ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.
એપ્રિલ માસમાં પરીક્ષાનું આયોજનઃ પંચાયત પસંદગી બોર્ડના ઈન્ચાર્જ ચેરમેન હસમુખ પટેલે નવી પરીક્ષાની તારીખો જાહેર કરી નથી, પરંતુ આડકતરી રીતે એપ્રિલ માસમાં પરીક્ષાનો આયોજન થશે તેવું નિવેદન આપ્યું હતું. માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા છે. ત્યારે એપ્રિલમાં ફરીથી આ પરીક્ષા લેવાઈ શકે છે. જ્યારે વહેલામાં વહેલી અને સ્વચ્છ રીતે પરીક્ષા લેવામાં આવે. સાથે જ પરીક્ષા કેન્દ્ર ઉપર પણ નજર રાખવામાં આવે તે રીતનું આયોજન કરાશે. આમ, એપ્રિલ માસમાં પંચાયતની પરીક્ષા ફરીથી યોજાઈ શકે છે.
હસમુખ પટેલને લોકરક્ષક દળ પરીક્ષા યોજવાનો છે અનુભવઃ પંચાયતી બોર્ડના ઈન્ચાર્જની વાત કરીએ તો, હાલમાં પોલીસ વિભાગના લોકરક્ષક દળની પરીક્ષાનું આયોજન પણ તેમના વડપણ હેઠળ જ કરવામાં આવ્યું હતું. જ્યારે તેમને જાહેર પરીક્ષા લેવાનો બહોળો અનુભવ છે. ત્યારે નિષ્પક્ષ રીતે પરીક્ષાનું આયોજન થાય અને તાત્કાલિક ધોરણે ગણતરીના સમયમાં જ પરિણામની જાહેરાત થાય તે રીતનું સુચારું આયોજન માટે રાજ્ય સરકારે હસમુખ પટેલની પસંદગી કરી છે. તેમને પંચાયતની પરીક્ષા માટેની મહત્વની જવાબદારી સોંપાઈ છે, ત્યારે હવે તેમણે ઉમેદવારોને પણ ફરીથી પરીક્ષાની તૈયારી કરવા માટેની સૂચના આપી છે.