ગાંધીનગરઃ હાલમાં કોરોનાના કારણે લોકડાઉનની સ્થિતિ છે. આ દરમિયાન રાજ્યના ધોરણ-12ના વિજ્ઞાન પ્રવાહના હજારો વિદ્યાર્થીઓ Jee, Neet, Gujcet જેવી તમામ પરીક્ષાઓનું ઘરે બેઠા જ માર્ગદર્શન મેળવી શકશે.
આ આયોજન અંતર્ગત ગણિત, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન વિષયના તજજ્ઞ શિક્ષકો દ્વારા રેકોર્ડિંગ કરીને ખાસ શૈક્ષણિક કાર્યક્રમો હાલમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે. તૈયાર થનાર આ શૈક્ષણિક કાર્યક્રમો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની youtube ચેનલ જીએસએચએસઈબી(GSSSEB) ગાંધીનગર પર અપલોડ કરાશે.
આ કાર્યક્રમો અપલોડ થતા jee, Neet અને ગુજસેટ જેવી પરીક્ષાઓનું માર્ગદર્શન મેળવવા ઇચ્છતા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના હજારો વિદ્યાર્થીઓને આ કાર્યક્રમોથી ઘરે બેઠા તમામ પરીક્ષાઓનું માર્ગદર્શન સરળતાપૂર્વક મેળવી શકશે. નીટની પરીક્ષા માટેના ખાસ શૈક્ષણિક કાર્યક્રમો તૈયાર કરાવીને તેનું પ્રસારણ હાલમાં વંદે ગુજરાત ચેનલ નંબર 12 પરથી બાયસેગના માધ્યમથી થઈ રહ્યું છે. તે ઉપરાંત ધોરણ 9થી 12ના મુખ્ય વિષયોના શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ પણ વંદે ગુજરાત ચેનલ નંબર 9 થી થઈ રહ્યું છે.
બોર્ડની youtube ચેનલ પર નીટના ખાસ કાર્યક્રમો તેમજ ધોરણ 9થી 12ના મુખ્ય વિષયોના શૈક્ષણિક કાર્યક્રમો પણ અપલોડ કરવામાં આવ્યાં છે. તેનો પણ રાજ્યના હજારો વિદ્યાર્થીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં લાભ મેળવી રહ્યા છે. નીટ માટેના ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન વિષયના લેક્ચરના વિડીયો jee એને ગુજસેટ જેવી પરીક્ષા માટે પણ ઉપયોગી છે.