ગાંધીનગરના ટાઉનહૉલ ખાતે યોજાયેલા જનચેતના સંમેલનમાં હાર્દિક પટેલે સરકાર પર આકરા આક્ષેપ કર્યા હતા. આ સંમેલનમાં બિહાર રાજ્યના પ્રભારી શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સંજય સિંહ હાજર રહ્યાં હતા.
આ સંમેલનમાં હાર્દિક પટેલે સરકાર પર આક્ષેપ કર્યા હતા કે, લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ ભાજપની સરકાર છે, તેમ છતાં ગુજરાતની જનતા દુઃખી છે. જેના કારણે જન્મદિવસના દિવસે જ જનચેતના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં રાજ્યના દરેક જિલ્લા અને તાલુકા મથકેથી રાજકીય યુવાનોને શૈક્ષણિક રીતે અન્યાય થયા હોય તેવા યુવાનો તથા મહિલાઓનું આ સંમેલન કરવામાં આવ્યું છે. જેમાં આગામી સમયમાં તમામ લોકોના પ્રશ્નો લોકો સમક્ષ પહોંચે અને સરકાર કોઈ નિર્ણય કરે તે અંગેનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે રાજ્યસભાના સાંસદ સંજય સિંહે જણાવ્યું કે, “આજે જનચેતના સંમેલનમાં હું ગુજરાત આવ્યો છું. આપ પાર્ટી દિલ્હીમાં બે વખત જીતી છે, જ્યારે પંજાબમાં મુખ્ય પક્ષ તરીકેની ભૂમિકામાં છે. ત્યારે અમે વર્તમાન સમયમાં અમારો વિસ્તાર વધારી રહ્યાં છીએ અને હાર્દિક પટેલ તેમજ અન્ય યુવા નેતાઓ સાથે જે રીતે સામાજિક આંદોલન થશે તેમાં અમે સંપૂર્ણ રીતે સહકાર આપીશું.”
અત્રે ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી બાદ જાહેરમાં ક્યાંય આવ્યા ન હતા, પરંતુ હવે ફરીથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સામે હાર્દિક પટેલે નવેસરથી મોરચો માંડ્યો છે.