ગાંધીનગર: 2024માં જાન્યુઆરીની 10થી 12 તારીખ દરમિયાન ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ સમિટ યોજાવાની છે. જેની તૈયારીઓ ગાંધીનગર મહા નગર પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત કોબાથી ચ-0 સુધીના હાઈવેનું નવિનીકરણ હાથ ધરવામાં આવ્યું છે. ગાંધીનગર મનપા આ હાઈવેના નવિનીકરણ પાછળ કુલ 3 કરોડ જેટલો ખર્ચ કરવા જઈ રહી છે.
25000 રોપાનું વાવેતર થશેઃ અમદાવાદ અને ગાંધીનગરને જોડતા કોબાથી ચ-0 સુધીના નેશનલ હાઈવેનું નવિનીકરણ મનપા કરી રહી છે. આ નવિનીકરણમાં સમગ્ર હાઈવેને હરિયાળો બનાવવામાં આવશે. હાઈવેની બંને તરફ 25000 રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવશે. વૃક્ષારોપણ પહેલા હાઇવેની બંને તરફની જંગલી વનસ્પતિઓ, ઘાસ અને નિંદણને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે.
વાયબ્રન્ટ ગુજરાત સમિટ સંદર્ભે કોબા થી ચ-0 સુધીના મુખ્ય હાઈવેનું નવિનીકરણ હાથ ધરાયું છે. બન્ને તરફ વધારાની જમીનમાં જંગલી વૃક્ષો, ઘાસ ઊગી નીકળ્યું છે તેણે દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જ્યારે હાઇવેની બંને સાઈડ પર ગ્રીન કવર કરવામાં આવશે. ઉનાળામાં આ ગ્રીન કવર સુકાય નહિ તે માટે પાણી છાંટવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. પ્રથમ ફેજમાં કોબા સર્કલથી ચ-0 સુધીના હાઈવેની બંને તરફ 50-50 મીટરના અંતરે પેચ તૈયાર કરાશે.આ પેચમાં અંદાજિત 25000 જેટલા રોપાનું વાવેતર કરવામાં આવશે. જ્યારે રોપાને પાણી આપવા માટે સ્પ્રિંકલ સિસ્ટમ રાખવામાં આવશે...હિતેશ મકવાણા (મેયર, ગાંધીનગર મહા નગર પાલિકા)
ગૌરવ પથનું પણ નિર્માણ કરાશેઃ આ ઉપરાંત રક્ષા શક્તિથી સરગાસણ ચાર રસ્તા સુધી માર્ગને ગૌરવ પથ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગૌરવ પથ ઉપર કાફેટેરિયા અને મોટા સાઇન બોર્ડ પર મૂકવામાં આવશે. જ્યારે લોકોને બેસવા માટે પણ સિટિંગ અરેન્જમેન્ટ પણ કરવામાં આવશે. વાયબ્રન્ટ સમિટમાં આવતા વિદેશના ડેલિગેટ્સ હરિયાળા પાટનગરની વધુ સારી છાપ લઈને પોતાના દેશમાં જાય તે માટે ગાંધીનગર મહા નગર પાલિકા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.