ગાંધીનગર સહિત રાજ્યના અલગ-અલગ શહેરોમાં જરૂરિયાત મંદ લોકો માટે સેવાભાવી નાગરિકો દ્વારા સૌની દિવાલના નામે એક જગ્યા ફિક્સ કરવામાં આવી હતી. સ્ટેન્ડ ઉપર જે લોકોને પોતાની પાસે રહેલા કોઈ વસ્તુની જરૂર નથી, તે લોકો ત્યાં જઈને તે વસ્તુ કોઈને કહ્યા વગર મૂકી શકે છે. જ્યારે જે લોકોને ત્યાં મૂકવામાં આવેલી ચીજ વસ્તુઓની જરૂર છે તે કોઈપણ પ્રકારની રોકટોક વગર તે જગ્યાએથી તે વસ્તુ લઈ શકે છે. સેવાભાવી લોકો દ્રારા આ પ્રકારની સૌની દિવાલ અગાઉ ગાંધીનગર શહેરનાં સેકટર 20 અને પાસે મૂકવામાં આવી છે.
ગાંધીનગર મહાપાલિકા દ્વારા પ્રથમ વખત આ પ્રકારની સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. હાલમાં કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે લોક ઉપયોગી થઇ શકે તે માટે ત્રણ જગ્યા ઉપર સૌની દિવાલ મૂકવામાં આવી છે. જેમાં સેક્ટર 17 માં આવેલા હનુમાનજી મંદિર, સેકટર 28માં આવેલા અંબાજી માતાના મંદિર અને સેક્ટર 29માં આવેલા જલારામ મંદિરે આ સૌની દીવાલનો આરંભ કરાયો છે. શહેરના લોકો આ સાવલી દીવાલનો બંને રીતે ઉપયોગ કરી શકે છે, જેઓને જરૂર નથી તે મૂકી શકે છે, જ્યારે જેને જરૂર છે તે લઈ શકે છે. આગામી દિવસોમાં શહેરના અલગ-અલગ વિસ્તારમાં હજુ પણ આ પ્રકારની સૌની દિવાલ બનાવવામાં આવશે.