ગાંધીનગરઃ આજે બુધવારે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે બજેટ રજૂ થયું છે. નાણાં પ્રધાન નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યુ હતું. જેમાં તેમણે ગુજરાતની પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટે વિવિધ યોજનાઓની જાહેરાત કરી છે.
પ્રવાસન
- રાજ્ય સરકારના પ્રયાસોથી પ્રવાસન અને આતિથ્ય ક્ષેત્રે રોજગારીની વિપુલ તકો ઉત્પન્ન થઈ છે . પ્રવાસન ક્ષેત્રના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા માટે કુલ રૂ.૪૮૦ કરોડની જોગવાઇ
- ગીરમાં સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને લઇ અમરેલી ખાતે આંબરડી લાયન સફારી પાર્કના અદ્યતન વિકાસ માટે રૂ.૫ કરોડની જોગવાઈ
- પ્રવાસન નીતિ અંતર્ગત ૩૮૩ જેટલા પ્રોજેક્ટ હેઠળ રૂ.૧૨,૦૦૦ કરોડનું રોકાણ થનાર છે . જે પૈકી ૧૯૭ પ્રોજેકટ ચાલુ થયેલ છે અને ૧૯૦૦૦ લોકોને રોજગારી મળી છે . જે માટે રૂ.૬૦ કરોડની જોગવાઇ
- બોર્ડર ટુરિઝમના વિકાસ મારફતે નવી પેઢીમાં દેશભક્તિની ભાવના બળવત્તર બનાવવા નડાબેટ સીમા દર્શન પ્રોજેકટ હેઠળ આંતર માળખાકીય સવલતો તથા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમોના આયોજન માટે રૂ.૩૫ કરોડની જોગવાઈ
- બાલાસિનોર ડાયનાસોર ફોસીલ પાર્કની મુલાકાતે આવનાર પ્રવાસીઓને સંખ્યાને ધ્યાને લઇ તેના વધુ વિકાસ માટે રૂ.૧૦ કરોડની જોગવાઈ
- શુકલતીર્થ , કબીરવડ , મંગલેશ્વર અને અંગારેશ્વરનો મેગા સર્કિટ તરીકે વિકાસ કરવા ભારત સરકાર તરફથી રૂ.૨૩ કરોડ ફાળવવામાં આવેલ છે . જેમાં રાજ્ય સરકાર દ્વારા ૫ કરોડ ઉમેરીને આ સ્થળોનો વિકાસ કરવામાં આવશે.
- સાબરકાંઠા જિલ્લાના પોલો ફોરેસ્ટ ખાતે પ્રવાસી સુવિધાઓનો વિકાસ કરવા માટે રૂ.પ કરોડની જોગવાઈ
- વેળાવદર ખાતે કાળીયાર અભયારણ્યનો વિકાસ કરવા માટે રૂ.૩ કરોડની જોગવાઈ
- પ્રવાસન અને આતિથ્ય ક્ષેત્રે વધુમાં વધુ રોજગારની તકો ઉપલબ્ધ કરાવવા ૪૫૦૦ જેટલા સ્થાનિક યુવાનોને વિવિધ અભ્યાસક્રમોમાં તાલીમ આપવા રૂ.૨૦ કરોડની જોગવાઇ
- જૂનાગઢ ઉપરકોટ , ધોળાવીરા તથા માતાના મઢ ખાતે પ્રવાસી સુવિધાઓ વિકસાવવા માટે રૂ ૨૦ કરોડની જોગવાઈ
- પ્રસિદ્ધ હેરીટેજ શહેર વડનગરનો ભારત સરકારના સંયુકત પ્રયાસથી અંદાજિત રૂ.૨૦૦ કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવી રહેલ છે . કોસ્ટલ ટુરીઝમ અંતર્ગત શિવરાજપુર બીચના વિકાસ માટે રૂ.૧૫૦ કરોડના કામો પીપીપીના ધોરણે હાથ ધરવામાં આવેલ છે
- ગિરનાર ક્ષેત્રના વિકાસ અને ગિરનાર રોપ - વે ની કામગીરી પીપીપીના ધોરણે વિકસાવવા માટે રૂ ૧૩૦ કરોડના કામો હાથ ધરવામાં આવેલ છે