ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ગૃહમાં મહાઠગ કિરણ પટેલનો મામલો જબરો ઉછળ્યો હતો. ગુજરાત કોંગ્રેસ આ મામલે આકરે પાણીએ આવી હતી અને ભાજપ સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. બયાનબાજીમાં કોંગ્રેસે કહ્યું કે માત્ર વહીવટદાર અને બાતમીદારથી રાજ્યનો ગૃહવિભાગ ચાલે છે અને ડબલ એન્જીનની સરકાર કંઇ કરી શકતી નથી. કોંગ્રેસના રાજમાં રાજકીય હત્યા થતી હોવાના ભાજપના ધારાસભ્યના આરોપ સામે કોંગી ધારાસભ્યોની હરેન પંડ્યા હત્યા અંગે જવાબ આપવા સામૂહિક કોમેન્ટ સાંભળવા મળી હતી.
રાજકીય હત્યા કોમેન્ટ : ગુજરાત વિધાનસભા બેઠકમાં આજે ગૃહવિભાગના માંગણીઓ પર ચર્ચા ચાલી રહી હતી. ત્યારે કોંગ્રેસના સભ્યએ સરકારને આડે હાથ લેવાનો પ્રયાસ કર્યો હતો. મહાઠગ કિરણ પટેલના મુદ્દે સરકારી કામગીરી સામે સવાલ ઉઠાવાતાં ભાજપના ધારાસભ્યો જીતુ વાઘાણી અને ઉદય કાનગડ બચાવની ભૂમિકામાં આવી ગયાં હતાં અને ગૃહ વિભાગની કામગીરીની વાહવાહી કરવા લાગ્યા હતાં.ત્યારે કોંગ્રેસના રાજમાં રાજકીય હત્યા થતી હોવાના ભાજપના ધારાસભ્યના આક્ષેપ વચ્ચે હરેન પંડયાની હત્યા અંગે જવાબ આપવા કોંગ્રેસના ધારાસભ્યોએ સામૂહિક કોમેન્ટ કરી હતી.
કાયદો અને વ્યવસ્થા કંગાળ : શૈલેષ પરમારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવતાં જણાવ્યું કે, રાજ્યમાં કરાઈ એકેડેમીમાં બોગસ પીએસઆઇ, આઈએએસ અને આઇપીએની જાસૂસી થવી, પેપરલીક જેવી ઘટના બનવી, સરકારી પાયલટ બે વર્ષ સુધી અંગત ઉપયોગ માટે સરકારી વિમાનનો દુરુપયોગ કરવો, આવી બધી સ્થિતિ પરથી લાગે છે કે રાજ્યમાં કાયદો અને સલામતીની સ્થિતિ સારી નથી.
અધિકારીની જાસૂસી : કોંગ્રેસે સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું કે સારી કામગીરી કરનારા નિર્લિપ્ત રાયની પણ જાસૂસી થાય છે. કોંગ્રેસના શૈલેષ પરમારે રાજ્યમાં દારૂ અને ડ્રગ્સના દૂષણ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, જેમ ડબલ એન્જીનની સરકાર છે. તેમ ગૃહવિભાગ પણ ડબલ એન્જીનથી ચાલે છે. ગૃહવિભાગના પ્રથમ એન્જીન એટલે બાતમીદાર અને બીજું એન્જીન એટલે વહીવટદાર. ગૃહ વિભાગનું જેટલું બજેટ નથી એટલી રકમનો દારૂ અને ડ્રગ્સ પકડાય છે. સ્ટેટ મોનિટરિંગ સેલ સારી કામગીરી કરે ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાયને અભિનંદન આપું છે. જોકે, નિર્લિપ્ત રાયની પણ જાસૂસી કરવામાં આવી રહી છે. તે રેઇડ પાડવા જવાના હોય તે પહેલાં બુટલેગરને જાણ થઇ જાય છે. આ પોલીસ વિભાગ માટે શરમજનક બાબત છે.
પોલીસતંત્રના બે ભાગ : ગુજરાત પોલીસ તંત્ર બે ભાગમાં વહેંચાઈ ગયું હોવાનો દાવો કરતાં શૈલેષ પરમારે જણાવ્યું કે, પોલીસ અને સ્કવોર્ડ આમનેસામને આવી ગઈ છે. વહીવટદારો હપ્તા ઉઘરાવાનું કામ કરે છે અને તે જ વહીવટદારોને લીધે સ્કવોર્ડ રેડ પાડી શકતી નથી. શૈલેષ પરમારે રાજ્યના પોલીસ સ્ટેશનમાં ચાલતા વહીવતદારોના રાજ પર સવાલ ઉઠવ્યા હતા. વહીવટદારોને લીધે દારૂનું વેચાણ વધી રહ્યું છે. વહીવટદારોને લીધે બુટલેગરો સામે કાર્યવાહી થતી નથી.
દારૂ વેચાણ સામે કાર્યવાહી નથી : ગુજરાત કોંગ્રેસે વધુમાં ગૃહમાં કહ્યું કે નેશનલ ફેમિલી હેલ્થના રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં મહિલાઓમાં દારૂનું વ્યસન વધી રહ્યું છે. રાજ્યમાં વર્ષ 2014થી 2022 સુધી 14322 દુષ્કર્મ ગુના નોંધાયા છે. જેમાં માત્ર 231 ગુનાઓ સાબિત થયા છે. રાજ્યના પોલીસ વિભાગમાં 14000 જગ્યાઓ ખાલી છે જે ભરવામાં આવતી નથી. આ ઉપરાંત શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, મારા મત વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. રાજ્ય સરકારને પત્ર લખીને જાણ કરવા છતાં હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ પણ વાંચો Kiran Patel Fake Pmo Official: ગુપ્તચર એજન્સીની એક શંકાએ નકલી PMO અધિકારી કિરણ પટેલનો કર્યો પર્દાફાશ
કિરણ પટેલ મામલે આઈબી નિષ્ફળ : તાજેતરમાં જ મહાઠગ કિરણ પટેલને Zપ્લસ સિક્યુરિટી આપવાનો મુદ્દો ચર્ચાના એરણે છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યએ સરકારને આ મુદ્દે આડે હાથ લીધી હતી. શૈલેષ પરમારે જણાવ્યું કે, ડબલ એન્જીનની સરકાર ચાલી રહી છે ત્યારે કિરણ પટેલ જેવી ઘટના બનવી એ અત્યંત શરમજનક છે. વડાપ્રધાન કાર્યાલયમાં નોકરી કરતાં હોવાનું જણાવી સરકારી તંત્રનો દુરુપયોગ કરનારા કિરણ પટેલના તાર ગુજરાત સુધી જોડાયેલા છે, તેમ છતાં રાજ્યની આઈબી કંઈ જ કરી શકી નથી.
ભાજપનો વાર : ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડે બચાવ કર્યો હતો કે કોંગ્રેસ કાયદો વ્યવસ્થાની વાત કરે ત્યારે પીડા થાય છે. કાનગડે પોતાના મંતવ્યો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ જ્યારે કાયદો અને વ્યવસ્થાની વાત કરે તો પીડા એટલા માટે થાય છે કેમ કે ચૂંટણી થતી ત્યારે પ્રધાનસ્તરના નેતાઓની રાજકીય હત્યા થતી હતી. સૌરાષ્ટ્ર વિસ્તારમાં જેલ બંધ કરવામાં આવતા અને જેલની આસપાસના જે તે વિસ્તારના બ્રિજ પાસે બોર્ડ લગાવવામાં આવતા હતા કે કાયદો અને વ્યવસ્થાની હદ અહીં પૂરી થાય છે.
ભગવાન પણ સુરક્ષિત નહોતા : ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીએ ગૃહમાં નિવેદન આપતાં જણાવ્યું હતું કે, પહેલા કર્ફ્યુ જેવી સ્થિતિ હતી ત્યારે સરકાર કોંગ્રેસની જ હતી. લતીફ જેવા અસામાજિક તત્વો કોના સગા હતા તે વાત સૌ કોઈ જાણે જ છે. કોંગ્રેસના રાજમાં ભગવાન પણ સુરક્ષિત નહોતા એટલે રથયાત્રાની દશા પણ સૌ કોઈએ જોયેલી જ છે. જો ભગવાન જ સુરક્ષિત ન હોય તો પ્રજાની સુરક્ષાની વાત જ ક્યાં થઈ શકે તેમ જણાવી કોંગ્રેસ સમયના શાસનની ખામીઓ ઉજાગર કરી હતી.