ગાંધીનગર : સુપ્રીમ કોર્ટ દ્વારા ગટરમાં સફાઈ કરવા પર પ્રતિબંધ છે, પરંતુ અનેક જગ્યા પર સફાઈ કર્મચારીઓ ગટરમાં જઈને સફાઈ કરતા હોય છે, ત્યારે ગટરમાં રહેલા ઝેરી ગેસના કારણે સફાઈ કર્મચારીઓનો મૃત્યુ થતું હોય છે. જેને લઈને ગુજરાતમાં 31 જાન્યુઆરી 2023ની પરિસ્થિતિએ કુલ 11 જેટલા સફાઈ કર્મચારીઓના મૃત્યુ થયા હોવાનું વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાળાએ કરેલા પ્રશ્નના જવાબમાં સામે આવ્યું છે. જ્યારે તેમના પરિવારજનો હજુ પણ સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છે.
10 લાખની આર્થિક સહાય : સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ સુપ્રીમ કોર્ટે ગટરમાં સફાઈ કરવા ઉતરેલા સફાઈ કામદારનું મૃત્યુ થાય તો દસ લાખની આર્થિક સહાયની જોગવાઈ છે, ત્યારે એક જાન્યુઆરી 2021થી 31 જાન્યુઆરી 2022 સુધી સાત જેટલા સફાઈ કર્મચારીઓનું મૃત્યુ થયું હતું. જેમાં સરકારે જે સમય દરમિયાન ફક્ત પાંચ જ કર્મચારીઓના પરિવારજનોને દસ લાખ રૂપિયાની સહાય ચૂકવ્યા હતા. ત્યારબાદ એક ફેબ્રુઆરી 2022થી 31 જાન્યુઆરી 2020 સુધી વધુ ચાર સફાઈ કર્મચારીઓના મૃત્યુ નોંધાયા હતા.
બાકી રહેલા કર્મીને સહાય ચુકવવામાં આવે : આ સમય દરમિયાન સરકારે એક પણ સફાઈ કર્મચારીના પરિવારજનોને આર્થિક સહાય ચૂકવી નથી. ત્યારે વિધાનસભા ગ્રુહમાં સફાઈ કર્મચારીના પરિવારજનોને સહાય ચૂકવવાની બાકી હોવાનું સામે આવ્યું હતું, ત્યારે સામાજિક ન્યાય કેબિનેટ પ્રધાન ભાનુ બાબરીયા ગૃહમાં જાહેરાત કરી હતી કે, તમામ બાકી રહેલા છ સફાઈ કર્મચારીના પરિવારજનોને સહાય ચૂકવી દેવામાં આવી છે.
આ પણ વાંચો : Budget Session: 2013માં મંજૂર થયેલી સૌની યોજના આજે પણ અધૂરી, છતાં સરકારે અત્યાર સુધીમાં 16 હજાર કરોડ ખર્ચી નાખ્યા
સરકારી નોકરી માટે સરકાર વિચારણામાં : ગુજરાત વિધાનસભા ગ્રુહમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ મારે સુપ્રીમ કોર્ટના નિયમ અને ચુકાદા બાબતની વાત કરી હતી. જો કોઈ સફાઈ કર્મચારી સફાઈ કરતા મૃત્યુ પામે તો સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દસ લાખ રૂપિયાની સહાય અને તેમના પરિવારજનો આશ્રિતોને સરકારી નોકરીની જોગવાઈ છે, ત્યારે સરકારે કેટલા પરિવારને સરકારી નોકરી આપી. ઉલ્લેખનીય છે કે, 2017થી 2022 સુધી કુલ 37 જેટલા કર્મચારીઓના મૃત્યુ થયા છે. ત્યારે ભાનુ બાબરીયાએ જણાવ્યું હતું કે, સરકારી નોકરી માટે હજુ પણ સરકાર વિચારણામાં જ છે. હાલની પરિસ્થિતિ ગટર સફાઈ કામદારોને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગટર સફાઈ કામગીરી કરવામાં આવે છે.