ગાંધીનગરઃ પાટનગરમાં કોરોના વાઈરસે વધુ 5 વ્યક્તિને સંક્રમિત કર્યા હતા. સે-5બી ખાતે રહેતા અને કૃષિ ભવનમાં આસી. ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને ગાંધીનગર સિવિલમાં દાખલ કરાયા છે. સે-25ની કલ્પતરુ કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા અને સેકટર-28માં રહેતા 51 વર્ષીય પુરુષ કોરોના સંક્રમિત થયા છે, પરંતુ તેમને હળવા લક્ષણો હોવાથી હોમ આઈસોલેશનમાં રખાયા છે.
બોરીજ જૈન દેરાસર નજીક રહેતા બે ભાઈઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી 24 વર્ષીય યુવક સ્ટર્લિંગ હોસ્પિટલમાં લેબ ટેકનિશિયન છે અને 29 વર્ષીય યુવક ફર્નિચર કામ કરે છે. બંનેને ગાંધીનગર સિવિલમાં દાખલ કરાયા છે. ઉના ખાતે એસબીઆઈમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતો 30 વર્ષીય યુવક ત્રણ દિવસ પહેલા સેકટર-6સી ખાતે પોતાના ઘરે આવ્યો હતો. કોરોના હોવાની આશંકા સાથે તેના સેમ્પલ લેવાયા હતા. જેમાં રિપોર્ટ પોઝિટિવ આવતાં યુવકને હોમ આઈસોલેશનમાં રખાયો છે. શહેર વિસ્તારમાં અત્યાર સુધી 414 લોકો સંક્રમિત થયાં છે, જ્યારે 11 મોત થયાં છે.
ગાંધીનગર તાલુકામાં કોરોના વાઈરસનો ચેપ વધી રહ્યો હોય તેમ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તેમાં રાયસણ ગામમાં 56 વર્ષના પુરૂષ, કુડાસણમાં 59 વર્ષના પુરૂષ, રાંદેસણમાં 57 વર્ષના પુરૂષ અને 59 વર્ષના મહિલા, અડાલજમાં 36 અને 34 વર્ષની બે યુવતી, પેથાપુરમાં 63 વર્ષના પુરૂષ, નવા પાલજ ગામમાં 59 વર્ષના પુરૂષ, રાંધેજામાં 31 વર્ષનો યુવાન અને વાવોલમાં 66 અને 47 વર્ષના પુરૂષ મળી 11 વ્યક્તિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
દહેગામ પંથકમાં 4 કેસ નોંધાયા છે. તેમાં અર્બનમાં 48 વર્ષના પુરૂષ, અને કડાદરા ગામમાં 34 વર્ષનો યુવાન તેમજ નાંદોલ ગામમાં 42 વર્ષના પુરૂષ અને 40 વર્ષની મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે માણસા અર્બનમાં 65 વર્ષના પુરૂષ અને 21 વર્ષની યુવતી સંક્રમિત થઇ છે અને તાલુકાના બોરૂ ગામમાં પણ 22 વર્ષની યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત કલોલ શહેર અને તાલુકામાં 6 કેસ નોંધાયા છે. તેમાં અર્બનમાં 22 અને 52 વર્ષની બે સ્ત્રી તેમજ 32, 34 અને 40 વર્ષના ત્રણ પુરૂષનો સમાવેશ થાય છે. તેમજ ધમાસણા ગામમાં 29 વર્ષના યુવાનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.જિલ્લાના ચાર તાલુકામાં અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 890 નોંધાયો છે અને 42 દર્દીના મોત થયા છે.