ગાંધીનગર : જાન્યુઆરી 2024માં 9 થી 11 દરમિયાન ગાંધીનગરમાં ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ ઇન્વેસ્ટર સમીટનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર મ્યુ. કોર્પોરેશન દ્વારા વાઈબ્રન્ટ સમિટને લઈને એક વિશેષ પ્રકારનું આયોજન હાથ ધરાયું છે. જેમાં કોર્પોરેશનની અંદર આવતા 3 અંડર બ્રિજ જેવા કે ઘ નાનો બ્રિજ, ઘ મોટો બ્રિજ અને હોટેલ લીલા પાસે આવેલ અંડર બ્રિજને રંગરોગાન કરવામાં આવ્યા હોવાની વાત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંત પટેલે ETV સાથે વાત કરતા જણાવ્યું હતું.
પેઈન્ટિંગ્સનું આકર્ષણ: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જશવંત પટેલે ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ ઇન્વેસ્ટેશન ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આંગણે યોજાવા જઈ રહ્યો છે. ત્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી પણ બને છે, અને અમારું સૌભાગ્ય પણ છે કે, અમે વિદેશી મહેમાનોનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરીએ. જે અંતર્ગત ગાંધીનગરમાં જેટલી પણ અન્ડર બ્રિજની દીવાલો છે તે અંડર બ્રિજની દીવાલોને ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા પેઇન્ટિંગ કરવામાં આવ્યા છે. જ્યારે આ પેઈન્ટિંગ્સની વાત કરવામાં આવે તો, ગુજરાતના ગૌરવ એવા ગરબાને અને કચ્છના સફેદ રણને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પણ પેઈન્ટિંગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિદેશી પ્રિન્ટિંગને સમજી શકે તે માટે ગુજરાતી અને અંગ્રેજીમાં પેઇન્ટિંગ વિશેની માહિતી પણ દર્શાવવામાં આવશે.
દબાણો દૂર કરાશે: ગાંધીનગરથી શરૂઆત કરીને ઇન્દિરા બ્રિજ ઉતરતાની સાથે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ શરૂ થઈ જાય છે, ત્યારે મોટાભાગના ડેલીગેટ અમદાવાદથી ભાટ ગામ થઈને ગાંધીનગરમાં પ્રવેશ કરશે. ત્યારે ભાટ ગામથી જ 0 સર્કલ સુધીના રસ્તાને ડસ્ટ ફરી રસ્તો બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આ રસ્તા ઉપર બંને બાજુ ફૂટપાથ પણ તૈયાર કરવાનું કામકાજ હાલમાં ચાલી રહ્યું છે, સાથે જ ભાઈજીપુરા ચોકડીથી ગિફ્ટ સિટીનો રોડ રક્ષા શક્તિ સર્કલથી સરગાસણ ચાર રસ્તા સુધીનો રોડ અનેક રાયસન્સ સુધીના રોડનું નવીકરણ પણ કરવામાં આવશે. જ્યારે ગાંધીનગરના રસ્તા ઉપર નાના-મોટા દબાણો પણ વાઇબ્રન્ટ ગુજરાતને લઈને દૂર કરવામાં આવશે.
સરકારે 33 કરોડની ફાળવણી કરી : ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જસવંત પટેલે ઇટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર રસ્તાનું નવીનીકરણ માટે રાજ્ય સરકારે અલગ અલગ કામોને ધ્યાનમાં લઈને 33 કરોડ રૂપિયાની ફાળવણી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને કરી છે, અને વાઇબ્રન્ટ ગુજરાતમાં ગાંધીનગરની ઓળખ એકદમ અલગ થાય છે, તે માટે અનેક કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે. સાથે જ વાઇબ્રન્ટ ગુજરાતને લઈને લોકો અને યુથ કનેક્ટ થઈ શકે તેને ધ્યાનમાં લઈને છ થી આઠ જાન્યુઆરીના રોજ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.