દેશના વિવિધ રાજ્યોના વન્ય પ્રાણી અને પક્ષી સંપદાથી અન્ય રાજ્યના નાગરિકો અને પ્રવાસીઓ પરિચિત થાય તેવા હેતુથી આ એનિમલ એક્સ્ચેન્જ પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલો છે. મુખ્યમંત્રીએ આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરી અનુસાર જુનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી કર્ણાટક રાજ્યના મૈસૂર ખાતેના ચામરાજેન્દ્ર ઝૂઓલોજિકલ ગાર્ડનને બે નર અને બે માદા એશિયાઇ સિંહ આપવામાં આવશે તેમજ 1 માદા રૅડ નેક્ડ વૉલબી કર્ણાટકના આ પાર્કને ગુજરાત આપશે.
ચામરાજેન્દ્ર ઝુઓલૉજિકલ ગાર્ડન મૈસૂર આ પ્રાણીઓની સામે જુનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને 1 નર અને 1 માદા હિપોપોટેમસ, 1 નર અને 2 માદા ગોર, બ્લેક સ્વાનની 1 જોડી તેમજ 1 નર રેડ નેક્ડ વૉલબી જેવા વન્ય પ્રાણીઓ આપશે. સક્કરબાગના પ્રાણી સંગ્રહાલયમાંથી એશિયાઇ સિંહની 1 જોડી, ડોમિસાઇલ ક્રૅન અને રોઝી પૅલિકેનની 1-1 જોડી, ઝીબ્રા ફ્રીન્ચની બે જોડી, બાર્કિંગ ડિઅરની 1 જોડી તેમજ થામીન ડિઅરની 1 જોડી, સ્પુનબિલની 1 જોડી, ચિંકારાની બે જોડી આંધ્રપ્રદેશમાં તિરૂપતિના એસ.વી. ઝુઓલોજિકલ પાર્કને એનિમલ એક્સ્ચેન્જ પ્રોગ્રામ તહેત આપવામાં આવશે.
આંધ્ર પ્રદેશનું આ એસ. વી. ઝુઓલોજિકલ પાર્ક તેને મળનારા ગુજરાતના વન્ય પ્રાણીઓ સામે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને જૅકલની 1 જોડી, સ્લૉથ બેઅરની 1 જોડી, ઇન્ડિયન ગોરની 1 જોડી તેમજ 1 નર બેંગાલ વ્હાઇટ ટાઇગર અને પોર્ક્યૂપાઇનની 1 જોડી આપશે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે એનિમલ એક્સ્ચેન્જ પ્રોગ્રામને પરિણામે જે તે રાજ્ય પોતાના રાજ્યની વન્ય પ્રાણી સૃષ્ટિનો વ્યાપ અન્ય રાજ્યોમાં કરી શકે છે. એટલું જ નહીં, જે તે પ્રાણી સંગ્રહાલયને વધુ પ્રાણી સમૃદ્ધ બનાવી શકે છે અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર આવા ઝૂ બને છે.