ગાંધીનગર : ગુજરાતમાં કાયદો અને ન્યાયની વ્યવસ્થા જાળવવા તેમ જ અસામાજિક તત્વોને કાબૂમાં રાખવા ગુજરાત પોલીસ કડકપણે કામ કરતી હોય છે. જોકે કોઇવાર પોલીસની અલગ પ્રકારની વર્તણૂક સામે આવતી હોય છે. જેમાં આરોપીનું કસ્ટડીમાં મોત થઇ જાય કે જેલમાં મોત થતું હોય ત્યારે કસ્ટોડિયલ ડેથના મામલા સામે આવતાં હોય છે. આ મુદ્દે આજે ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં મહત્ત્વના આંકડા મળ્યાં છે. ગુજરાતમાં કસ્ટોડિયલ ડેથ બાબતનો પ્રશ્ન કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કર્યો હતો. જેના જવાબમાં છેલ્લા બે વર્ષમાં કુલ 189 આરોપીઓના પોલીસ કસ્ટડીમાં અને જેલમાં જ મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે.
કેટલા આરોપીઓના મૃત્યુ : કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના પ્રશ્નોના જવાબમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં લેખિતમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં એક જાન્યુઆરી 2021 થી 31 ડિસેમ્બર 2021 સુધી પોલીસ કસ્ટડીઅલ ડેથમાં 21 ઘટના અને જેલ કસ્ટોડિયલ ડેથમાં 79 ઘટના સામે આવી છે. જ્યારે વર્ષ 2022માં પોલીસ કસ્ટોડીયલ ડેથમાં 14 ઘટના અને જેલ કસ્ટોડીયલમાં 75 ઘટનાઓ સામે આવી છે. આમ છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાં કસ્ટોડીયલ ડેથની કુલ 189 ઘટનાઓ સામે આવી છે.
આ પણ વાંચો Rajkot Crime: રાજકોટમાં કુવાડવા પોલીસ સ્ટેશનમાં આરોપીનું મોત, માર માર્યાનો પરિવારજનોનો આક્ષેપ
પોલીસ અધિકારીઓ વિરુદ્ધ પગલાં : રાજ્યના ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ગૃહમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે કસ્ટોડિયલ ડેથમાં પોલીસ વિભાગ દ્વારા ફરજ મોકૂફી હેઠળ અધિકારીઓને મુકવા, ખાતાકીય રાહે શિક્ષા કરવી, તપાસ જવાબદારી વિરુદ્ધ ગુના નોંધવામાં આવ્યા છે આ ઉપરાંત ફરજમાંથી પણ છૂટા કરવાની કામગીરી પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કરવામાં આવી છે. જ્યારે મૃતક વારસદારોને 17 લાખ રૂપિયાનું વળતર પણ ચૂકવવામાં આવ્યું છે.
લાંચિયા અધિકારીઓ ઝડપાયા : કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ભ્રષ્ટાચારમુક્ત સરકાર અને વહીવટની વાતો કરે છે. પરંતુ આજે ગુજરાત વિધાનસભામાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા રાજ્યના અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ નોંધાયેલા ગુના બાબતનો પણ પ્રશ્ન ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે કર્યો હતો. જેમાં છેલ્લા બે વર્ષમાં વર્ગ 1ના 17 અધિકારીઓ, વર્ગ 2 ના 58, વર્ગ 3માં 259 અધિકારીઓ, વર્ગ 4 માં 15 અને વચેટીયાઓ કુલ 192 આરોપીઓની ACB દ્વારા કેસ દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો કસ્ટોડિયલ ડેથ મામલે ETV Bharatના પ્રશ્ન સામે રાજ્યપ્રધાનની બોલતી થઈ ગઈ બંધ
31 આરોપીઓની ધરપકડ : બાકી ગુજરાતનું લાંચ વિરોધી બ્યૂરો રાજ્યમાં ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ થાય તેને ધ્યાનમાં લઈને કામ કરે છે. જોકે ગુજરાતમાં અનેક એવા અધિકારીઓ પૈસાની લાલચ અને પૈસા મળ્યા બાદ જ કામ કરવાના સમાચાર સામે આવે છે. ત્યારે વર્ષ 2021 અને વર્ષ 2022માં કુલ 31 જેટલા આરોપીઓને હજુ પકડવાના બાકી છે. આમ વર્ષ 2021ના કુલ 24 આરોપીઓ હજી પણ એસીબીની પકડથી દૂર છે. જ્યારે વર્ષ 2022ના 7 આરોપીઓ હજી સુધી એસીબીએ પકડ્યા ન હોવાનું વિધાનસભા પ્રશ્નોત્તરીમાં સામે આવ્યું છે.
કેન્દ્રીય ગૃહ વિભાગનો રીપોર્ટ : ગુજરાતમાં એક જ વર્ષમાં સૌથી વધુ પોલીસ કસ્ટડીમાં 24 મોત થયા છે. નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (એનએચઆરસી)માં નોંધાયેલા આ કેસનો રિપોર્ટ કેન્દ્રના ગૃહ વિભાગે બહાર પાડયો છે. ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં મોતની 80 ઘટના બની છે, જે પૈકી વર્ષ 2017-18માં 14, વર્ષ 2018-19માં 13, વર્ષ 2019-20માં 12 ઘટના બની છે, કોરોનાકાળના વર્ષ 2020-21માં પોલીસ કસ્ટડીમાં મોતની ઘટના વધીને સીધી 17 ઉપર પહોંચી હતી અને છેલ્લે 2021-22માં સૌથી વધુ 24 ઘટના બની છે. નોંધાયેલા આ કેસોમાં કેટલાક કિસ્સામાં આક્ષેપો છે કે પોલીસના મારવાને- ટોર્ચર કારણે આરોપીનો જીવ ગયો છે. જ્યારે કેટલાકમાં બીમારી સહિત વિવિધ કારણસર મોત થયાં છે.
2017થી 2022માં ગુજરાતમાં કસ્ટોડિયલ ડેથ : છેલ્લાં પાંચ વર્ષમાં અન્ય રાજ્યમાં કસ્ટોડીયલ ડેથમાં આંકડા પણ જોઇએ તો મહારાષ્ટ્રમાં 76, ઉત્ત્રપ્રદેશમાં 41, તમિલનાડુમાં 40 અને બિહારમાં 38 કસ્ટોડિયલ ડેથ થયાં હતાં. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષના કસ્ટોડિયલ ડેથમાં 2017-18માં 14, 2018-19માં 13, 2019-20માં 12, 2020-21માં 17 અને 2021-22માં 27 કસ્ટોડિયલ ડેથના આંકડા સામે આવ્યાં છે.