- 23 એપ્રિલની બપોરના બે કલાકથી અમલ થશે
- હાલ 3 દિવસ માટે લોકડાઉનનો નિર્ણય
- કોરોનાના કેસ વધતા લોકડાઉનનો નિર્ણય
ગાંધીનગર : દહેગામમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને પગલે શહેરમાં 23 એપ્રિલ શુક્રવારથી 3 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. દહેગામમાં છેલ્લા 15 દિવસમાં કેસમાં સતત વધારો નોંધાયો હતો. આ સંક્રમણથી બચવા માટે સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની અમલવારી 23 એપ્રિલ શુક્રવારે બપોરે બે કલાકથી કરવામાં આવશે. લોકડાઉનની માગ આમ જનતા દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ સરકાર તરફથી આ અંગે નિર્ણય હજૂ સુધી લેવામાં આવ્યો નથી.
આ પણ વાંચોઃ કોરોનાને નાથવા વિવિધ એસોસિએશનોએ સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી
તાલુકામાં કોરોનાના કેસ 1,500 જેટલા, જ્યારે દહેગામમાં 800 જેટલા કેસ
દહેગામ તાલુકામાં કુલ 1,500 કેસ છે. ત્યારે સૌથી વધુ દહેગામમાં અંદાજિત 800 જેટલા કોરોનાના કેસ છે. કોરોનાના કેસના આંકડા સતત વધી રહ્યા છે. છેલ્લા દસ કે પંદર દિવસમાં 500 જેટલા કેસ 1,500 સુધી નોંધાવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેનું પાલન લોકો સ્વયંભૂ કરશે. કોરોના બીજા વેવમાં લોકડાઉનની માગ સતત વધી રહી છે. જો કે, સરકાર દ્વારા આ પ્રકારની ગંભીર પરિસ્થિતિ હોવા છતાં પણ સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવી રહ્યો નથી.
દહેગામના વેપારીઓ અને વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે નિર્ણય લેવાયો
ગાંધીનગર જિલ્લામાં કેસ વધી રહ્યા છે. જેમાં દહેગામ પણ બાકાત નથી, ત્યારે સંક્રમણ વધતા વેપારીઓ અને વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે લોકડાઉન કરવાનું 3 દિવસ માટે નક્કી કરવામાં આવ્યું છે. જોકે, આ પહેલા તેમની મિટીંગ થઇ હતી અને તેમાં 3 દિવસનો નિર્ણય લીધો હતો. હાલ પૂરતો આ 3 દિવસનો નિર્ણય વેપારીઓ અને વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ આણંદમાં વધતા કોરોના સંક્રમણને લઇ જિલ્લાના 6 ગામડાઓમાં સ્વંયભૂ લોકડાઉન, જુઓ વિશેષ અહેવાલ...
દવાખાના, હોસ્પિટલ, દવાની દુકાનો જેવી આવશ્યક સેવાઓ ખુલ્લી રહેશે
23 એપ્રિલ શુક્રવારે બપોરે બે વાગ્યાથી લોકડાઉનનો અમલ શરૂ થશે. પરંતુ જેમાં દવાખાના, હોસ્પિટલ, દવાની દુકાનો જેવી આવશ્યક સેવાઓ ખુલ્લી રહેશે. બાકી બધુ બંધ રહેશે. તેમ સ્થાનિક જૈમિન ચૌહાણ દ્વારા કહેવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગાંધીનગરના અન્ય કેટલાક ગામોએ આ પહેલા પણ લોકડાઉનનો નિર્ણય લીધો છે.