ગુજરાતમાં પાણીની સ્થિતિએ સરકારની ઊંઘ હરામ કરી છે. એક તરફ રૂપાણી સરકાર અને તેમના અધિકારીઓ સબ સલામતના દાવા કરી રહ્યા છે. ત્યારે રોજ પાણી વિના તરફડતા લોકો સરકારી કચેરીઓમાં પોતાનો વિરોધ કરી રહ્યા છે. સરકારી આંકડાઓ બતાવી નાગરિકોને ખુશ રાખવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ અંદરખાને પાણીની સમસ્યા સરકારને ચિંતિત કરી રહી છે. ત્યારે પાણીની સમસ્યાને નિવારવા માટે આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં 8 મહાનગરપાલિકાના મેયર સહિત શહેરી વિસ્તારના અધિકારીઓની હાજરીમાં સમીક્ષા બેઠક મળી હતી.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મહાનગરપાલિકાઓમાં 75 ટ્રીટેડ પાણીનો ઉપયોગ કરવા માટે સૂચન કર્યું હતું. આગામી બે વર્ષમાં વપરાશ કરવાના પાણીને આ રીતે ઉપયોગ કરાશે તો પાણીની સ્થિતિને પહોંચી વળવામાં આવશે. જ્યારે 30 જુલાઈ સુધી રાજ્યમાં પાણીની અછત નથી તેવું તેમણે જણાવ્યું હતું. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરોના મેયર, સ્ટેન્ડીંગ કમિટિ અધ્યક્ષો, કમિશનર બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઇ બાવળિયાની સહ ઉપસ્થિતીમાં યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, પાણી પુરવઠા, શહેરી વિકાસના અગ્ર સચિવ અને સચિવ સહિતના વરિઠ અધિકારીઓ પણ ચર્ચામાં જોડાયા હતા.