ગાંધીનગર : સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જૂનાગઢ મહાપાલિકા ને ભૂગર્ભ ગટર યોજના પૈકી 320 કરોડ રૂપિય ના કામોની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આપી છે.
રૂપાણીએ આ બાબતે જણાવ્યું હતું કે, જૂનાગઢની જનતાને ભૂગર્ભ ગટર વ્યવસ્થા માટેની લાંબાગાળાની માંગણીનો અંત આવ્યો છે. જૂનાગઢ શહેરમાં અત્યાર સુધી નવાબી શાસન વખતની કમાન વાડી ગટર વ્યવસ્થા હતી. જ્યારે જૂનાગઢ મહાનગરમાં નવા પડેલા વિસ્તારોમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થાના અભાવે આવાસોમાં વપરાયેલું ગંદુ પાણી કોઈ જ ટ્રીટમેન્ટ વગર દાડવા, ઝાંઝરડા કે ટીંબાવાડી જેવા કુદરતી વહેણને મળે છે. તેના પરિણામે જમીનનું પ્રદૂષણ પણ ફેલાઈ રહ્યું હતું. આમ આગળના ભવિષ્યને ધ્યાનમાં લઈને પ્રદૂષણ વધુ ન ફેલાય તે માટે રાજ્ય સરકારે 320 કરોડ રૂપિયાના અલગ-અલગ કામોની સિદ્ધાંતિક મંજૂરી આપી છે.
આમ હવે જૂનાગઢ મહાનગરમાં 8 ઝોનમાં 3 STP અને 8 પંપીંગ સ્ટેશન સહિતની 110 કિલોમીટર જેટલી લંબાઇની મુખ્ય પાઈપ લાઈન આ યોજના અન્વયે નાખવામાં આવશે. જૂનાગઢ મહાનગરની આગામી 30 વર્ષની વસ્તીની સંખ્યાને ધ્યાનમાં રાખીને આ ભૂગર્ભ ગટર વ્યવસ્થા તૈયાર થવાની છે. આ ભૂગર્ભ ગટર યોજના તથા STPના કામો પૂર્ણ થવાથી 3.5 લાખથી વધુ લોકોની આરોગ્ય સુખાકારી જળવાઈ રહેશે, તેમજ કુદરતી વહેણોમાં હાલ વહેતા ગંદા પાણીની સમસ્યાનો પણ ઉકેલ આવશે.