ગાંધીનગર : વિધાનસભા ગૃહમાં વિપક્ષ દ્વારા નર્મદા યોજનાના બાકી રહેલા કામ બાબતે અનેકવાર સરકાર પર પ્રહાર કરવામાં આવે છે. ત્યારે આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કચ્છને નર્મદાના પાણી પહોંચાડતી કચ્છ શાખા નહેરના બાકી રહેલા 24 કિ.મી. લંબાઇના કામો અગ્રતાના ધોરણે પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
અધિક મુખ્ય સચિવ અને નર્મદા નિગમના વહિવટી સંચાલક ડૉ. રાજીવ કુમાર ગુપ્તાએ પાવર પોઈન્ટ પ્રેઝંટેશન દ્વારા કચ્છમાં નર્મદા યોજનાના નહેર માળખાના કામોની વિગતો રજૂ કરી હતી. કચ્છ શાખા નહેરના 357 કિ.મી. પૈકી 333 કિ.મી. લંબાઈમાં કામો પૂર્ણ થઈ ગયેેલા છે અને હાલમાં 231 કિ.મી. સુધી એટલે કે અંજાર તાલુકાના વર્ષામેઢી સુધી પાણીનું વહન થઈ રહ્યું છે.
આમ કચ્છ શાખા નહેરના માત્ર 24 કિ.મી. લંબાઈના કામો હવે બાકી રહે છે, જે પૈકી 13.2 કિ.મી. લંબાઈમાં જમીન સંપાદનની પ્રક્રિયા પ્રગતિમાં છે, એમ તેમણે જણાવ્યું હતું.
કચ્છ શાખા નહેરની ત્રણ પેટા શાખા નહેરો પૈકી 57 કિ.મી. લાંબી ગંગોધર શાખા નહેરના કામો પૂર્ણ થઈ ગયેેેેલા છે અને પાણી છેવાડા સુધી વહે છે. 23 કિ.મી. લાંબી વાંઢીયા શાખા નહેરના કામો મહદંશે પૂર્ણ થઈ ગયાં છે અને જે 1 કિ.મી. જેટલા કામો પ્રગતિમાં છે. તેમાં જમીન સંપાદન તથા યુટિલીટી ક્રોસિંગના પ્રશ્નો અંગે સીએમ રૂપાણીએ કચ્છ જિલ્લા કલેક્ટરને આ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સૂચના આપી હતી.
બેઠકમાં નર્મદાના પૂરના વધારાના પાણી પૈકી કચ્છને ફાળવવામાં આવેલા 1 મિલિયન એકર ફૂટ પાણી માટે નિર્ધારીત કરેલા 8 ઓફટેક પૈકી 7 ઓફટેકના કામો નર્મદા નિગમ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. આમાંના પાંચ ઓફટેક એટલે કે કચ્છ શાખા નહેરની સાંકળ 105 કિ.મી. ઉપર સરાણ માટે, 115 કિ.મી. ઉપર ફતેહગઢ માટે, 134 કિ.મી. ઉપર લાકડાવાંઢ માટે, 149 કિ.મી. ઉપર સુવઈ માટે તથા 214 કિ.મી. ઉપર ટપ્પર માટેના ઓફટેક તૈયાર કરી દેવામાં આવ્યા છે અને ત્યાં સુધી પાણીનું વહન પણ થઈ રહ્યું છે.