- નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી જાહેરાત
- વર્ગ 4 કર્મચારીઓને રૂપિયા 3500ની મર્યાદામાં બોનસ ચૂકવાશે
- રાજયના વર્ગ-4ના 30,960 કર્મચારીઓને મળશે લાભ
ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા કોરોના કાળ પહેલા રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થુ આપવાની જાહેરાત કરી હતી. જે કોરોના સંક્રમણ અને લોકડાઉનને કારણે રદ્દ કરવામાં આવ્યું હતું. લોકડાઉન દરમિયાન રાજ્ય સરકારની આવકમાં ઘટાડો થયો હતો. જેથી મોંઘવારી ભથ્થુ આપવાની સરકારે મનાઈ ફરમાવી હતી. ત્યાર બાદ ફરીથી રોજગાર વેપાર શરૂ થતા સરકારની આવક થઈ હતી, જેને ધ્યાનમાં રાખીને હવે રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓના પગાર ભથ્થા આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ વર્ગ-4ના કર્મચારીઓને 3500 રૂપિયાની મર્યાદામાં બોનસ આપવાની જાહેરાત નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જાહેરાત કરી છે.
વર્ગ-4ના 30,960 કર્મચારીઓને મળશે દિવાળી બોનસ
રાજય સરકારે વર્ગ-4ના કર્મચારીઓને રૂપિયા 3500ની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે. જેનો લાભ રાજ્ય સરકારના કર્મચારીઓ, પંચાયતના કર્મચારીઓ, યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોના કર્મચારીઓ, બિન-સરકારી શાળાઓ અને કોલેજોના કર્મચારીઓ તથા ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓના વર્ગ-4ના કુલ 30,960 કર્મચારીઓને લાભ મળશે.
મોંઘવારી ભથ્થું હવે છૂટશે
નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે જણાવ્યુ હતું કે, રાજ્ય સરકારના 9 લાખથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને 1 જુલાઈ 2019થી 5 ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-2020થી દર માસે પગાર સાથે ચૂકવવામાં આવી રહ્યું છે. તા. 1 જુલાઈ 2019થી 31 ડિસેમ્બર 2019 સુધી એમ કુલ-5 માસના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને ચૂકવવાની થતી હતી.
રાજ્ય સરકાર પર કુલ-464 કરોડનો બોજો પડશે
રાજ્ય સરકારના તથા પંચાયતના તથા અન્ય ગ્રાન્ટેબલ સંસ્થાઓના અધિકારીઓ/ કર્મચારીઓ/પેન્શનરોને અત્યારે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી 3 મહિનાના મોંઘવારી ભથ્થાના આ તફાવતની રકમ દિવાળીના તહેવાર પહેલા ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને કારણે રાજ્ય સરકાર પર કુલ-464 કરોડનો બોજો આવશે અને રાજ્ય સરકારના 5,11,129 કર્મચારીઓ તથા 4,50,509 પેન્શનરોને આ ભથ્થાનો લાભ મળશે.