ગાંધીનગર : રાજ્યના પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજ સવારથી ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત ફ્રી વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિટીઝ ઓફ ટુમોરો એટલે કે આવતીકાલનું શહેર બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. જે અંતર્ગત ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે નિવેદન આપ્યું હતું કે વિશ્વમાં વર્ષ 2050 સુધીમાં શહેરીકરણ ડબલ થઈ જશે અને 10 માંથી 7 વ્યક્તિ શહેરમાં વસવાટ કરનારા હશે. ઉપરાંત ગુજરાતની 8 મહાનગરપાલિકા મ્યુ. કમિશનર, 169 નગરપાલિકાના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
હાલમાં ગુજરાતમાં 48 ટકા શહેરીકરણ : ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે આવતીકાલના શહેરો મુદ્દે નિવેદન આપ્યું હતું કે હાલ ગુજરાતમાં 48 ટકા શહેરીકરણ થયું છે.
વર્ષ 2035ની આસપાસ 60 ટકા શહેરીકરણ થવાની શક્યતાઓ છે. ત્યારે ગુજરાત એ ઇન્ડસ્ટ્રીયલ સિવિલેશન સ્ટેટ સહિત દેશનું સ્ટેટ મોડેલ છે. ત્યારે લોકો જે રીતે શહેરમાં આવીને વસવાટ કરશે ત્યારે તમામ મૂળભૂત સુખસુવિધાઓમાં પણ સુધારો વધારો કરવાની જરૂર રહેશે. ગુજરાતના અમદાવાદ ગાંધીનગર અને સુરત શહેરમાં પણ ખૂબ શહેરીકરણ થઈ રહ્યું છે જેથી આવનારા દિવસોમાં 5000 જેટલી વસ્તી માટેના સ્પેશિયલ શહેર પણ બનાવવા પડશે. શહેરીકરણની સાથે સાથે પાણી, રોડ રસ્તાઓ, ગટરની વ્યવસ્થાઓ અને ગાર્બેજ ફ્રી સીટી પણ રાખવા પડશે...રાજકુમાર ( મુખ્ય સચિવ )
શહેરમાં પ્રદૂષણ વધુ : કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના પ્રધાન કૌશલ કિશોરે પણ નિવેદન આપ્યું હતું કે જે રીતનું શહેરીકરણ હાલની તારીખમાં જોવા મળી રહ્યું છે તેને ધ્યાનમાં લઈને શેરી વિસ્તારમાં પ્રદૂષણ પણ વધારે ફેલાઈ રહ્યું છે જેથી કેન્દ્ર સરકાર દ્વારા ઈલેક્ટ્રિક વાહનોને વેગ આપવામાં આવી રહ્યો છે.
તમામ રાજ્ય સરકાર દ્વારા ઈલેક્ટ્રીક વાહનોને વધુ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પહેલાના જમાનામાં લોકો 20 ટકા શહેરમાં અને 80 ટકા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હતાં. હાલના સમયમાં 30 ટકા લોકો શહેરી વિસ્તારમાં અને 70 ટકા લોકો ગ્રામીણ વિસ્તારમાં રહે છે. ત્યારે આવનારા ટૂંક સમયમાં ભવિષ્યમાં 50 ટકા લોકો શહેરી વિસ્તારમાં અને 50 ટકા લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા થશે. જ્યારે હાલમાં પણ લોકો માની રહ્યા છે કે શહેર અને ગ્રામ્ય બંને વિસ્તારમાં મકાન હોવું જરૂરી છે. જેથી કેન્દ્ર સરકાર દ્વારા લાઈટ હાઉસ પ્રોજેક્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં તમામ સુવિધાઓ પણ મજબૂત કરવામાં આવશે સાથે જ ભૂકંપથી નુકશાન ન થાય તેવા મકાનો પણ તૈયાર કરવામાં આવશે... કૌશલ કિશોર ( કેન્દ્રીય પ્રધાન )
તમામ ઘરોમાં એક વૃક્ષ જરૂરી : કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના પ્રધાન કૌશલ કિશોરે વધુમાં નિવેદન આપ્યું હતું કે જે રીતે હાલમાં પ્રદૂષણ વધી રહ્યું છે ત્યારે આ પ્રદૂષણને ઘટાડવા માટે પણ શહેરને ગ્રીનરી મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જેથી તમામ ગૌરવમાં એક વૃક્ષ જરૂરી છે. જ્યારે વર્ષ 2014માં પ્રથમ વખત વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી શપથ લીધા ત્યારે ભારત કેવું બનશે અને આ ઉપરથી નજર તમામ લોકોને પોતાનું ઘર મળે રોજગાર મળે તમામ સુખ સુવિધાઓ મળે તેને ધ્યાનમાં લઈને જ પીએમ આવાસ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. પ્રવાસી મજૂરો માટે પણ આવાસ યોજના તૈયાર કરવામાં આવી છે.