ગાંધીનગર: ગુજરાતમાં વિદેશ જવાનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેને ખોટો લાભ લઈને વિઝા એજન્ટો ખોટા દસ્તાવેજોને આધારે નાગરિકોને વિદેશ મોકલી રહ્યા છે. જ્યારે યાત્રી વિદેશના એરપોર્ટ ઉપર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા પહોંચે છે. ત્યારે તેમને જાણ થાય છે કે તેમના દસ્તાવેજ બોગસ છે. ત્યારબાદ વિદેશની ઓથોરિટી દ્વારા તેમને ફરીથી ઈન્ડિયા પરત મોકલવામાં આવે છે. આવી બનતી ઘટનાઓેને લઈને CID ક્રાઈમ દ્વારા અમદાવાદ, બરોડા અને ગાંધીનગરમાં વિઝા કન્સલ્ટન્ટ ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
17 જગ્યા ઉપર રેડ: CID ક્રાઇમના ADGP રાજકુમાર પંડિયેન મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 17 ડિસેમ્બરના રોજ અમદાવાદ, ગાંધીનગર અને બરોડામાં 15 ટીમ દ્વારા 17 જગ્યા ઉપર રેડ પાડવામાં આવી હતી. ત્રણ વિઝા કન્સલ્ટન્સીના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ત્રણ વિઝા કન્સલ્ટન્સીમાં બે ગાંધીનગરના અને એક અમદાવાદની છે. જેમના દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
'બોગસ વિઝા કન્સલ્ટન્સીમાં ધોરણ 10 અને 12ની નકલી માર્કશીટ, એમએસ યુનિવર્સિટીના સર્ટિફિકેટ, છત્તીસગઢના રવિશંકર યુનિવર્સિટીના સર્ટિફિકેટ, જીટીયુના અને રાજીવ ગાંધી યુનિવર્સિટીના પણ બનાવટી સર્ટિફિકેટ પ્રાપ્ત થયા છે. જ્યારે હવે આ લોકો ફેક ડોક્યુમેન્ટ કઈ રીતે બનાવે છે તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે સાથે જ એજન્ટોના નેટવર્કની તપાસ ઉપરાંત વિદેશના એજન્ટોની પણ તપાસ કરવામાં આવશે.' - રાજકુમાર પંડિયેન (ADGP, CID ક્રાઇમ)
આરોપીઓ સામે ગુનો દાખલ: તપાસમાં આ કન્સલ્ટન્સી દ્વારા માર્કશીટ, સર્ટિફિકેટ અને બોગસ ડોક્યુમેન્ટ બનાવવામાં આવતા હતા. જેમાં અમદાવાદના હાઈટેક એજ્યુકેશન અને ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલી હોપરેઝ અને એમ્પાયર ઓવરસીઝ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અમદાવાદના હાઈટેક એજ્યુકેશનના જીગર શુક્લાની અને ગાંધીનગરના કુડાસણના હોપ્રેઝના માલિક કિશન પટેલ અને મેનેજર પ્રેમ પરમાર સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.
તપાસ શરૂ: પંડિયેન વધુમાં જણાવ્યું હતું કે બોગસ ડોક્યુમેન્ટથી કેટલા લોકો વિદેશ ગયા તે હજી તપાસમાં સામે આવશે. પરંતુ એક કેસ સામે એવો આવ્યો છે કે એક વ્યક્તિ ઓસ્ટ્રેલિયા ગયો હતો અને ત્યાં તેઓ પાસે બોગસ ડોક્યુમેન્ટ હોવાના કારણે તેઓને ઓસ્ટ્રેલિયાથી જ ડિપોર્ટ કરવામાં આવ્યા છે જ્યારે હજુ પણ અમને આવી અરજીઓ પ્રાપ્ત થઈ રહી છે સાથે જ CID ક્રાઇમ દ્વારા એફએસએલની પણ મદદ લેવામાં આવી છે. આવનારા દિવસોમાં કેન્દ્ર સરકારને પણ આ બાબતે જાણ કરીને અલગ અલગ કોન્સીલેટમાં છેલ્લા બે કે ત્રણ વર્ષની અંદર બિઝનેસ વિઝા, એજ્યુકેશન વિઝા ઉપર ગયેલા લોકોના ડોક્યુમેન્ટની પણ તપાસ કરવામાં આવશે.