વાવોલ ગ્રીનસિટીમાં રહેતી મહિલા સોનલબેન વાઘેલા (45 વર્ષ) સરગાસણના પૂર્વ સરપંચ જસવંતજી ઠાકોરની બીજી પત્ની તરીકે રહેતી હતી. સોનલને પ્રથમ લગ્ન જીવનથી એક પુત્ર હતો. જે તેની સાથે જ રહેતો હતો. મૃતક બકુલાબેન ઠાકોરને પૂર્વ સરપંચ સાથે પ્રેમ સંબંધ હતા. જેની જાણ આરોપીને થતાં તેણે પતિ જશવંત સાથે ઝઘડો કર્યો હતો, અને મૃતક બકુલાને મારી નાખવાની ધમકી આપી હતી.
મૃતક બકુલાબેન પણ પોતાના 13 વર્ષના પુત્ર સાથે ચાર વર્ષથી સરગાસણમાં રહેતી હતી. બકુલા જસવંત ઠાકોરના ઘરે કચરા પોતુ કરવા જતી હતી. તે દરમિયાન બકુલાને જસવંત સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેની જાણ આરોપી સોનલને થતાં 2 ઓક્ટોબરે બકુલાને ખેતરમાં પકડી તેને મોતને ઘાટ ઉતારી હતી. આ ઘટના અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતકે છેલ્લો ફોન પણ જશવંતને કર્યો હતો. જેમાં જશવંતે તેના અને સોનલ સાથેના ઝઘડા વિશે કરી હતી. આ જાણકારીના આધારે પોલીસે સોનલ સામે પુરાવા ભેગાં કરવાની તજવીજ હાથ ધરી હતી. જેના પગલે ફ્લેટના CCTVની તપાસ કરી હતી. જેમાં સોનલ એક સગીર સાથે સળીયા લઈને નીકળતી નજરે પડી હતી. ત્યારબાદ તેણે એક પેટ્રોલપંપથી થોડે દૂર કપડાં બાળ્યા હોવાના ફૂટેજ પણ પોલીસને મળ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, પૂર્વ સરપંચ જે. ડી. ઠાકોરને આરોપી સાથે 15 વર્ષથી પ્રેમ સંબંધ હતા. સોનલને બાસણ ગામે પરણાવી હતી. પરંતુ જસવંતે છુટ્ટાછેડા લેવડાવી તેને બીજી પત્ની તરીકે ઘરે લાવ્યો હતો. પ્રથમ પત્નીના ત્રણ સંતાનો અને સોનલના પ્રથમ લગ્નથી થયેલા પુત્ર એમ બે પત્નીઓ સાથે તે બે વર્ષ રહ્યો હતો. બંને પત્નીઓ વચ્ચે મનમેળ ન રહેતાં તેણે સોનલને વાવોલમાં ગ્રીનસિટી ખાતે ઘર લઈ આપ્યું હતું.