ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ પણ કોરોના સંક્રમણની ઝપેટમાં આવી રહ્યાં છે. સચિવાલયમાં રાજયકક્ષાના પ્રધાન રમણલાલ પાટકરને કોરોના પોઝિટિવ આવ્યો છે, ત્યારે સ્વર્ણિમ સંકુલમાં હવે વધુ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સ્વર્ણિમ સંકુલ 1ની બહાર જ તોતિંગ મશીન મૂકવામાં આવ્યું છે. જેમાં આજે કેબિનેટ બેઠક બાદ CM વિજય રૂપાણી સેનેટાઈઝ થયા હતા.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદની ખાનગી કંપની દ્વારા સ્વર્ણિમ સંકુલ 1ની બહાર મૂકાયેલું મશીન ભારતીય બનાવટનું છે, ત્યારે મશીનના ઓપરેટર દ્વારા CM રૂપાણીને મશીન કઈ રીતે કામ કરે છે તે બાબતે પણ માહિતગાર કર્યા હતા. જ્યારે આ ખાનગી કંપની દ્વારા મૂકવામાં આવેલું મશીન નિઃશુકલ મૂકવામાં આવ્યું છે.
આજે બુધવારની કેબિનેટ બાદ સચિવાલય 1ની અંદર પ્રવેશ મેળવવા માટે સલામતી શાખાના કર્મચારીઓ દ્વારા પણ જે પણ મુલાકાતીઓ આવે તેમને પહેલા સેનેટાઈઝર મશીનની અંદર મોકલીને જ સ્વર્ણિમ સંકુલ 1ની અંદર પ્રવેશ આપવામાં આવે છે. આ ઉપરાંત કોઈ પ્રધાનને મળવું હોય તે પહેલા ફરજિયાત 3 વખત સેનેટાઈઝ કરવાનો આદેશ કરાયો છે.
ગુજરાતના વન પ્રધાન રમણલાલ પાટકર અને સુરત કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેથી આ બંનેના સંપર્કમાં આવતાં મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન પણ આવ્યા હોવાની તપાસ થઈ રહી છે. કારણ કે, શનિવારે યોજાયેલી બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલ સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
નોંધનીય છે કે, બે મહિના અગાઉ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને શૈલેષ પરમાર કોરોના પોઝિટિવ હતા, ત્યારે તેમની સાથે મિટિંગ કર્યા બાદ મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનને હોમ ક્વોરન્ટીન થયા હતા.