ગાંધીનગર શહેર વસાહત અસરગ્રસ્ત મહામંડળના ભરતસિંહ બિહોલાએ કહ્યું હતું કે, ગામમાં રહેતા તમામ અસરગ્રસ્ત વસાહતીઓની મિલકતો કાયદેસરની છે અને સરકારી ચોપડે નોંધાયેલી છે, પરંતુ આકારણી પત્રક આપવામાં આવતું નથી. જેથી અમે ગાંધીનગર કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી છે. રાજ્યનું પાટનગર ગાંધીનગરની આજૂ-બાજૂમાં આવેલા ગામડાઓના અનેક ખેડૂતોએ પોતાના કાળજાના ટુકડા સમાન જમીનો સરકારને આપી દીધી હતી. સરકાર દ્વારા જે તે સમયે વળતર આપવામાં આવ્યું હતું, પરંતુ આજ દિવસ સુધી આ ગામડા શહેર જેવી સુવિધા મળતી નથી. અનેક વખતે રજૂઆતો કરવા છતાં રાજ્યભરમાંથી આવતા નેતાઓ સુખ અને શાંતિ ગાંધીનગરમાં આવીને મેળવે છે, પરંતુ ગાંધીનગરને વસાવવામાં જમીન આપનાર ખેડૂતો શાંતિ મેળવી શક્યા નથી. જેથી ગાંધીનગર શહેરમાં સમાવિષ્ટ આદીવાડા, બોરીજ, ધોળાકુવા, ઈન્દ્રોડા, બાસણ, પાલજ અને ફતેપુરા ગામના રહીશો કલેક્ટર કચેરીએ આકારણી પત્રક આપવાની માગ સાથે ઉમટી પડ્યા હતા.
બિહોલાએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરી ગામોમાં હાલમાં સીટી સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં મોટાભાગના મિલકતધારકોને નોટિસ ફાળવામાં આવી છે. જેમાં માલિકીના પુરાવા સાથે આકારણી પત્રક આપવાનું છે, પરંતુ મોટાભાગના અસરગ્રસ્ત ખેડૂતો પાસે આકારણી પત્રક નથી. સરકારમાં અગાઉ 7 વખત રજૂઆત કરી હોવા છતાં આકારણી પત્રક માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. 50 વર્ષ પહેલા તમામ ખેડૂતો દ્વારા જમીન આપવામાં આવી હતી ત્યારે હાલમાં સરકાર પાસે અમારી માગ છે કે, આ ખેડૂતોને આકારણી પત્રક આપવામાં આવે. જો આગામી સમયમાં અમારી આ માગનો સ્વીકાર કરવામાં નહીં આવે તો તમામ ગામના ખેડૂતો વિધાનસભા ઉપર ચડાઈ કરવામાં પણ સહેજ પણ વિચાર કરશે નહીં તેવી ચીમકી ઉચ્ચારી છે.