ગાંધીનગર : જિલ્લામાં નવા કેસ સામે આવ્યા છે. દહેગામ તાલુકાના નાંદોલ ગામમાં બે કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં 85 વર્ષીય મહિલા અને 62 વર્ષીય પુરૂષોનો સમાવેશ થાય છે. આ બંને લોકો અગાઉ જે કેસ આવ્યો હતો તેના સંપર્કમાં આવ્યા હતા. વાસણા ચૌધરી ગામની 28 વર્ષીય મહિલા સંક્રમણનો ભોગ બનેલી છે તે પણ અગાઉ જે પોલીસ કર્મચારીનો કેસ પોઝિટિવ હતો તેના સંપર્કમાં આવેલી છે.
કલોલ શહેરમાં ગઈકાલે 52 વર્ષીય આધેડનો કેસ પોઝિટિવ આવ્યો હતો. તેનો 20 વર્ષીય પુત્ર કોરોના વાઇરસનો ભોગ બન્યો છે. તેના પિતાના સંપર્કમાં આવવાના કારણે સંક્રમિત થયો છે. જ્યારે ગાંધીનગર પાસેના વાવોલ ગામમાં રહેતો 32 વર્ષીય યુવક સંક્રમિત થયો છે. જે અમદાવાદમાં કેડીલા ફાર્માસ્યુટિકલ્સમાં નોકરી કરે છે.
ગાંધીનગર જિલ્લામાં પાંચ કેસની સાથે કુલ આંકડો 89 ઉપર પહોંચ્યો છે. આજે વધુ એક મરણ થયું છે. કલોલના 52 વર્ષીય આધેડ પોઝિટિવ આવ્યા હતા તેમનું આજે મોત થયું છે. તેની સાથે જિલ્લામાં મરણનો આંકડો 7 ઉપર પહોંચ્યો છે.