ગાંધીનગરઃ આજે ગાંધીનગરના રામ કથા મેદાનથી સમગ્ર રાજ્ય માટે 201 નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ, વાહન વ્યવહાર પ્રધાન હર્ષ સંઘવી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે આ 201 નવી એસટી બસોનું લોકાર્પણ કર્યુ હતું.
કુલ 75 કરોડની બસોઃ નવી 201 એસટી બસોની કુલ કિંમત 75 કરોડ રુપિયા જેટલી થવા જાય છે. આ 201 બસોમાં 170 સુપર એકસપ્રેસ અને 31 સ્લીપર કોચ બસોનો સમાવેશ થાય છે. આ તમામ નવી બસો ગુજરાતમાં જ તૈયાર થઈ છે. ગુજરાત સરકારે 2 નાણાકીય વર્ષ દરમિયાન કુલ 2812 જેટલી નવી એસટી બસો ગુજરાતના નાગરિકોની સેવામાં લોકાર્પિત કરી છે. આજે રાજ્યના એસટી વિભાગમાં હાઈકલાસ લેવલની ગુર્જરનગરી, સુપર એક્સપ્રેસ અને સ્લીપર બસો કાર્યરત છે. રાજ્ય સરકાર દર વર્ષે 200 નવી એસટી બસો લોકાર્પણ કરવાનું લક્ષ્ય ધરાવે છે.
સ્વચ્છતા અપીલઃ આ નવી બસોના લોકાર્પણ પ્રસંગે વાહન વ્યવહાર પ્રધાન હર્ષ સંઘવીએ નાગરિકોને સ્વચ્છતા સંદર્ભે અપીલ કરી છે. તેમણે બસોમાં અને બસ ડેપો પર ગંદકી ન કરવાની અપીલ પ્રવાસીઓને કરી છે. નવી બસો અને બસ ડેપો પર કચરો નાખવા માટે કચરા પેટીની સુવિધા હોય છે તેમાં જ કચરો નાખે તે જવાબદાર નાગરિકની ફરજ છે તેમ જણાવીને હર્ષ સંઘવીએ જ્યાં ત્યાં થૂંકતા પ્રવાસીઓને પણ આવું ન કરવાની અપીલ કરી છે.
આજે ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે 201 નવી એસટીબસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બસો પાછળ કુલ 75 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ગુજરાતની 125 વિધાનસભાના રુટ આ બસો કવર કરશે. આ બસો અને બસ ડેપોમાં સ્વચ્છતા રાખવા માટે પ્રવાસીઓ કચરાપેટીનો ઉપયોગ કરે...હર્ષ સંઘવી(વાહન વ્યવહાર પ્રધાન)