દેવભૂમિ દ્વારકા: LCBના નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેકટર જે.એમ. ચાવડાની પોતાની ટીમ સાથે કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે કોસ્ટલ હાઇવે રોડ પર વિધી મોબાઇલ નામની મોબાઇલ રીપેરીંગની દુકાન ઉપર વિજય સાજાભાઇ ગઢવી દ્વારા દુકાનમાંથી ડ્રાઇવિંગ લાયસન્સ અને બનાવટી જન્મના પ્રમાણપત્રો બનાવતા એક યુવાનને ડુપ્લીકેટ ડ્રાઇવીંગ લાયસન્સ અને બનાવટી જન્મના પ્રમાણપત્રો તેમજ લાયસન્સ બનાવવા ઉપયોગમા લેવાતો સર-સામાન તથા કોમ્પ્યુટર સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે.
દેવભૂમિ દ્વારકા એલ.સી.બી. પોલીસને માહિતી મળેલ હતી કે, મોબાઇલની દુકાનમાં ઓનલાઇન ફોર્મ તથા કલર ઝેરોક્ષ કરવાનું કામ કરતો તેમજ લોકોને વધુ પૈસા લઇને ટ્રાયલ આપ્યા વિના ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવી આપવાનું કહી લોકોને ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સ કાઢી આપે છે. આ હકીકતના આધારે એલ.સી.બી.પોલીસે વધુ માહિતી એકત્ર કરી કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે દ્વારકા–પોરબંદર કોસ્ટલ હાઇવે પર વીધી મોબાઇલ રીપેરીંગની દુકાને છાપો મારતા દુકાનેથી વિજયભાઇ સાંજાભાઇ રૂડાચ ગઢવી ડુપ્લીકેટ લાયસન્સ અને બનાવટી જન્મના પ્રમાણપત્રો બનાવતા ઝડપાઇ ગયો હતો.
આરોપી પાસેથી જપ્ત કરેલ મુદામાલ
(1.) ડુપ્લીકેટ ડ્રાઇવીંગ લાયસન્સ નંગ -7
(2.) ડુપ્લીકેટ જન્મના પ્રમાણપત્રો નંગ-2, ફોટાઓ-3
(3.) લેમીનેશન પેપર બંચ-1
(4.) કોરા કાગળો, સ્ટેપલર, કાતર
(5.) જુદા જુદા માણસોના બે આધારકાર્ડ વિગેરે કાગળોની ઝેરોક્ષ
(6.) બીલ બુક, સ્ટેમ્પ પેડ, કેમેરો, પેન ડ્રાઇવ-1
(7.) કોમ્પ્યુટર સીસ્ટમ-1
(8.) હાર્ડ ડીસ્ક-1
(9.) સ્કેનર કમ કલર પ્રિન્ટર -1
(10.) મોબાઇલ ફોન- 1
કુલ રૂપિયા 29310/- નો મુદ્દામાલ મળી આવેલ હતો. આ સાથે તેઓ પાસેથી મળી આવેલ પેન ડ્રાઇવ તથા કોમ્પ્યુટરમાંથી ડુપ્લીકેટ ડ્રાઇવીંગ લાયસન્સ અને જન્મ પ્રમાણપત્રો બનાવવાના પુરાવા રૂપે ફાઇલો મળી આવેલ હતી. જે પણ પોલીસે કબ્જે કરેલ હતી. આરોપીએ કબુલાત કરી હતી કે, તેઓ મોબાઇલ રીપેરીગના કામ સાથે કોમ્પયુટરમાં ઓનલાઇન ફોર્મ, સરકારની યોજનાઓના ફોર્મ તેમજ ઝેરોક્ષ નકલો કરી આપી લોકોને વિશ્વાસમાં લઇ તેઓને ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા પરીક્ષા આપ્યા વિના લાયસન્સ કઢાવી આપવાનું તેમજ સરકારી કચેરીએ ધકકા ખાધા વગર જન્મના પ્રમાણપત્રો કઢાવી આપવાનું કહી લોકો પાસેથી મોટી રકમ પડાવી અને જાતે ડુપ્લીકેટ ડ્રાઇવીંગ લાયસન્સ અને જન્મના પ્રમાણપત્રો બનાવતો હતો.
પોલીસને કોમ્પ્યુટર તથા પેન ડ્રાઇવમાં મોટી માત્રામાં ડ્રાઇવીંગ લાયસન્સ અને જન્મના દાખલાઓ બનાવ્યાના પુરાવો મળેલ છે. એલ.સી.બી.ના પોલીસ હેડ કોન્સ. અરજણભાઇ મારૂએ સરકાર તરફે ફરિયાદ આપી કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેકટર કલ્યાણપુર પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.