દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે મહીલાઓએ પાણી પ્રશ્ને નગરપાલિકા કચેરી ખાતે બેડા લઈને રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો, સાથે જ પાણીની સમસ્યાનો તાત્કાલીક હલ થાય તેવી રજૂઆત કરી હતી.
જિલ્લામાં ચાલુ વર્ષે મોસમનો 320 ટકાથી વધુ વરસાદ નોંધાઇ ચુક્યો છે અને તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે અનેક નદી નાળાઓ છલકાઈ ગયા તેમજ ડેમ પણ ઓવરફ્લો થયા છે. ખંભાળિયા શહેરને પીવાનું પાણી પૂરું પાડતો ઘી ડેમ પણ મોસમમાં બીજી વખત ઓવરફ્લો થયો હતો. ઘી નદીમાં ઉપરવાસમાં વરસેલા વરસાદી પાણીમાં ખંભાળિયા પાલિકા દ્વારા નાખવામાં આવેલી પાણીની પાઇપલાઇન ધોવાઈ ગઈ હતી.
જિલ્લામાં સારો વરસાદ થયો હોવા છતાં પાણી માટે વલખા મારવાની સ્થિતી સર્જાઈ હતી, ત્યારે ખંભાળિયા શહેરના વોર્ડ નંબર-4ની મહિલાઓ દ્વારા પાલિકા કચેરી ખાતે પહોંચી અને બેડાં લઈ પાણી આપો પાણી આપોના નારાઓ લગાવ્યા હતા. તેમજ તંત્રને જગાડવા પાલિકા કચેરી ખાતેજ રામધૂન બોલાવી અને વિરોધ કર્યો હતો. સાથે જ તાત્કાલિક પાણી ના પ્રશ્નનું નિરાકરણ આવે તેમ રજૂઆત પણ કરી હતી.
વોર્ડ નંબર-4માં આવેલો હેન્ડ પમ્પ પણ હાલ બંધ છે, ઉપરાંત કન્ટેનમેન્ટ ઝોન આવેલો છે તેમજ સ્થાનિક લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હોઈ જેથી આ પાણીની લાઇન તાત્કાલિક રીપેર કરી અને ઘર સુધી પાલિકા પાણી પહોંચાડે તેવી રજૂઆત કરાઇ હતી. ઉપરાંત જ્યાં સુધી પાણીની લાઇન દ્વારા ઘર સુધી પાણી ન પહોંચે ત્યાં સુધી ટેન્કર મારફતે અથવા અન્ય કોઈ રીતે પીવાનું પાણી પૂરતું મળી રહે તેવી વ્યવસ્થા અને હેન્ડપમ્પને પણ રીપેર કરી આપવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. જેથી લોકોને પાણી માટે દૂર સુધી જવું ન પડે તેમજ જો પાલિકા દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો ના છૂટકે આંદોલનને આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનાવવાની ફરજ પડશે અને તેની જવાબદારી પાલિકાના ચીફ ઓફિસરની રહેશે તેવો પણ ઉલ્લેખ આપેલી અરજીમાં મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો હતો.