દેવભૂમિ દ્વારકા : યાત્રાધામ દ્વારકાથી 11 કિલોમીટર દૂર આવેલો શિવરાજપુર બીચનો સમાવેશ આંતરરાષ્ટ્રીય કક્ષાના બ્લુ ફ્લેગ બીચમાં કરવામાં આવ્યો છે. આ અંગે કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને ભારતના નાગરિકોને માહિતી આપી હતી. વિશ્વના 50 દેશોમાં બ્લુ ફ્લેગ બીચ સર્ટીફિકેટ મેળવનારાની યાદીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ અંગે ખુશી વ્યક્ત કરતા વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ભારતના 8 શાંત દરિયાકિનારાને બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળ્યું છે. જે દર્શાવે છે કે, ભારત આવા સ્થળોને સુરક્ષિત રાખવા અને ટકાઉ વિકાસને આગળ વધારવા માટે મહત્વ આપે છે. ખરેખર આ એક અદ્ભુત ક્ષણ છે!
ડેન્માર્કની ફાઉન્ડેશન ઓફ એન્વાયર્મેન્ટ એજ્યુકેશન(FEE) નામની બિન-સરકારી અને બિન-લાભકારી આંતરરાષ્ટ્રીય સંસ્થાની જ્યૂરી, વૈજ્ઞાનિકો, પર્યાવરણવાદીઓની બનેલી રાષ્ટ્રીય જ્યૂરી પાસે ભારતના 8 દરિયા કિનારાને બ્લુ ફ્લેગ બીચ મેળવવા માટે ભલામણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ એક આંતરરાષ્ટ્રીય એજન્સી ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન ડેન્માર્ક દ્વારા આપવામાં આવેલા વૈજ્ઞાનિક સ્તરે માન્યતા પ્રાપ્ત ઇકો લેબલ છે. જે 4 મુખ્ય પેરામીટરના 33 કડક માપદંડો પર આધારિત છે. જેમાં પર્યાવરણ, શિક્ષણ અને માહિતી, ન્હાવાના પાણીની ગુણવત્તા, પર્યાવરણ સંચાલન અને સંરક્ષણ, સલામતી અને દરિયા કિનારાઓમાં સેવા જેવા માપદંડોનો સમાવેશ થાય છે.
આ તમામ માપદંડોને ધ્યાનમાં રાખીને ભારતના 8 દરિયાકિનારાને આંતરરાષ્ટ્રીય ઇકો લેબલ બ્લેક 5 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાયેલા ભારતના 8 દરિયાકિનારાને બ્લુ ફ્લેગ બીચથી નવાજવામાં આવ્યા છે. જેમાં એક દેવભૂમિ દ્વારકા જિલ્લાનો શિવરાજપુર બીચ પણ છે.
નીચેના આઠ બીચને મળ્યુ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ
- શિવરાજપુર (દ્વારકા-ગુજરાત)
- ઘોઘલા (દીવ)
- કસરકોડ (કર્ણાટક)
- પદુબિદ્રી (કર્ણાટક)
- કપડ (કેરળ)
- રૂશીકોંડા (આંધ્ર પ્રદેશ)
- ગોલ્ડન (પુરી-ઓડિશા)
- રાધનગર (આંદામાન અને નિકોબાર આઇલેન્ડ્સ)