દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 240 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે. ખંભાળીયામાં દાત્રાણાના ખેડૂતોના ખેતરોમાં મગફળીના પાકનું વાવેતર કરાયું હતું. બાદમાં સતત વરસાદના કારણે ખેતરોમાં માછલાં જોવા મળ્યાં હતાં. ખેતરમાં મોટી સંખ્યામાં માછલાં થતા ખેડૂતોને મગફળીના પાકનું વાવેતર નિષ્ફળ ગયું છે. જ્યારે માછલાં ઉછેર કેન્દ્ર કરવું કે ફરી પાકનું વાવેતર કરવું તેવી ખેડૂતોમાં મુંજવણ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે 240 ટકાથી વધુ વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે અને હજુ હવામાન વિભાગની આગાહી મુજબ 4 દિવસ સુધી ભારે વરસાદની આશંકા સેવાઇ રહી છે. એક તરફ ચોમાસાની શરૂઆત થાય ત્યારે જગતનો તાત સારા વરસાદની અપેક્ષા રાખી ખેતરમાં પાકનું વાવેતર કરતો હોય છે. તે જ રીતે ચાલુ વર્ષે પણ ખંભાળીયાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ જિલ્લાનો મુખ્ય પાક એવા મગફળીનું વાવેતર કરી અને સારા વરસાદની આશા રાખી રહ્યો હતો. પહેલો વરસાદ જ સારો થયો હોવાથી ખેડૂતોને આશાઓ બંધાઈ કે ચાલુ વર્ષે સારો પાક થશે, પરંતુ જુલાઈ માસમાં અવિરત મેઘ મહેર થઈ અને સમયાંતરે વરસાદ થતાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ ખંભાળીયા તાલુકાના દાત્રાણા, હંજડાપર, વડત્રા સહિતના ગામોમાં જોવા મળી છે.
દ્વારકા જિલ્લાની વાત કરવામાં આવે તો ખેડૂતોનો મુખ્ય પાક મગફળી ગણાય છે અને મોટા ભાગે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે અને ખંભાળીયાના ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે વરસાદ થયો અને હાલ જિલ્લામાં 240 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે અને ખંભાળીયા તાલુકામાં સિઝનનો 270 ટકાથી વધુ વરસાદ થતાં દાત્રાણામાં ખેડૂતોના ખેતરમાં અવિરત થયેલી અતિવૃષ્ટિએ ખેડૂતોની કમર તોડી નાખી છે અને ખેડૂતોના ખેતરમાં ભરાયેલા પાણીમાં મોટી સંખ્યામાં માછલાં જોવા મળી રહ્યાં છે.
વરસાદી પાણી ભરાવાના કારણે ખેતરોમાં માછલાંઓએ જાણે તેનું ઘર કરી લીધું હોય તેવું જોવા મળી રહ્યું છે. એક તરફ સારો પાક થાય તેવી આશાઓ બાંધી ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ મગફળીનું વાવેતર બાદ હાલ પાક સંપૂર્ણપણે નિષફળ જવાની ભીતિ સર્જાઈ છે. જ્યારે બીજી બાજુ માછલાઓ ખેતરમાં ભરેલા પાણીમાં જોવા મળી રહ્યા છે અને ખેડૂતો હાલ પાકને બચાવી શક્યા નથી. હવે ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા છે કે માછલાં ઉછેર કેન્દ્ર કરવું કે ફરી પાકનું વાવેતર કરવું તેવી ખેડૂતોમાં મુંજવણ છે. મહત્વનું છે કે, ચાલુ સિઝનમાં જે રીતે વરસાદ થયો તે દ્વારકા જિલ્લાના ખેડૂતો માટે નુકશાનીનો વરસાદ ચોક્કસથી કહી શકાય.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચાર તાલુકામાં પડેલા વરસાદના કુલ આંકડા
ખંભાળિયા -77 ઇંચ
દ્વારકા- 41 ઇંચ
કલ્યાણપુર- 68ઇંચ
ભાણવડ -66 ઇંચ